ગુનો@અમદાવાદ: વૃદ્ધનું ATM કાર્ડ બદલીને આરોપીએ ખાતામાંથી રૂ. 1.23 લાખ ઊઠાવી લીધા

કાર્ડને આધારે રૂપિયા ઉપાડી લેતા હોય છે
 
ગુનો@અમદાવાદ: વૃદ્ધનું ATM કાર્ડ બદલીને આરોપીએ ખાતામાંથી રૂ. 1.23 લાખ ઊઠાવી લીધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં સાયબર ગઠિયાનો ત્રાસ વધી ગયો છે. હવે અમદાવાદમાં ATM કાર્ડથી રૂપિયા ઉપાડવા માટે જતા વડીલોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય બની છે. એક વૃદ્ધ મેમકો ચાર રસ્તા નજીક ATMમાં રૂપિયા ઉપાડવા માટે ગયા ત્યારે ત્યાં ઊભેલા બે યુવાનોએ તેમનું કાર્ડ બદલી નાખ્યું હતું. વૃદ્ધનું કાર્ડ લઈને તેમની જાણ બહાર કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને રૂ. 1.23 લાખ ઊઠાવી લીધા હતા. વૃદ્ધને આ અંગે જાણ થતા તેમને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

વડીલો માટે લાલબત્તી સમાન કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છે કે ઘોડાસરમાં રહેતા વૃદ્ધ મહેન્દ્ર રાવલ (76)નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ મણિનગર ક્રોસિંગ ખાતેની કેનરા બેંકમા પોતાનું એકાઉન્ટ ધરાવે છે. મહેન્દ્રભાઇની ફરિયાદ મુજબ 15 ફેબ્રુઆરીએ સવારે 11ના સુમારે તેઓ પોતાના કામ માટે મેમ્કો ચાર રસ્તા ગયા હતા. જ્યાં તેમને રૂપિયાની જરૂર હોવાથી તે સ્થાનિક વિસ્તારના એસબીઆઇના ATMમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા. ATM ત્યારે કેબિનમાં બે યુવાન ઊભેલા હતા. મહેન્દ્રભાઈએ ATMમાંથી 3000 ઉપાડ્યા બાદ નીકળી ગયા હતા ત્યારે અજાણ્યા યુવાનોએ તેમની નજર ચૂકવીને તેમનું ATM કાર્ડ બદલી નાખ્યું હતું અને તેમને અન્ય ATM કાર્ડ આપી દીધું હતુ. ત્યારબાદ તેઓ મણિનગર ખાતે પેટ્રોલ પૂરાવવા માટે ગયા ત્યારે કાર્ડ ચાલ્યું ન હતું.

તેમણે તપાસ કરી તો બેંકમાંથી જાણવા મળ્યું કે તેમના ATM કાર્ડમાંથી 50,000, 30,000, 20,000, 10,000 એમ અલગ અલગ કુલ 1,23,999 રૂપિયા ટ્રાન્સફર થયા છે. મહેન્દ્રભાઈએ અજાણ્યા બે વ્યક્તિ સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ATM કેબિનના CCTV ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી એક ગેંગ સક્રિય થઇ છે. તે ખાસ કરીને ATMમાં રૂપિયા ઉપાડવા માટે જતાં વડીલો અને મહિલાઓે ટાર્ગટ કરતા હોય છે. મદદ કરવાના બહાને તેમના ATM કાર્ડનો પીન નંબર જોઇ લેતા હોય છે અને વાતમાં લઇને તેમનું ATM કાર્ડ બદલી દેતા હોય છે, જે કાર્ડને આધારે રૂપિયા ઉપાડી લેતા હોય છે.