ગુનો@અમદાવાદ: બલ્કમાં દૂધ આપવાનું કહી વેપારી સાથે 50 લાખની છેતરપિંડી કરી, 5 ઈસમ સામે FIR

ઠગોએ દૂધ આપ્યું ન હતું અને ત્યારબાદ ડિપોઝિટ પરત આપવાનું કહી ચેકો આપ્યા હતા
 
ગુનો@અમદાવાદ: બલ્કમાં દૂધ આપવાનું કહી વેપારી સાથે 50 લાખની છેતરપિંડી કરી, 5 ઈસમ સામે FIR

 અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં ઠગાઈના કિસ્સા ખુબજ વધી ગયા છે.હાલના જમાનામાં કેટલાય અવનવાં બનાવો બને છે.ભોળા-ભાલા લોકોને ઠગતા હોય છે.કેટલાય ઠગાઈના કિસ્સા બનતા હોય છે. વેપારમાં,પૈસાની બાબતમાં,નોકરીની બાબતમાં લોકો સાથે  છેતરપિંડીના બનાવો બનતા હોય છે.આવોજ એક  બનાવ  અમદાવાદથી સામે આવ્યો છે.શહેરના નિકોલ વિસ્તારમાં 38 વર્ષિય નયન દશરથભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને બાપુનગરમાં શાયોના ડેરી પાર્લરની દુકાન ધરાવે છે.ઉપરાંત ઓઢવ ખાતે પટેલ મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરી ધરાવે છે. સપ્ટેમ્બર 2021ના રોજ નયન પોતાની શાયોના ડેરી પાર્લર પર હાજર હતા ત્યારે અમરતભાઇ માલજીભાઇ રબારી, રાજુ વીરમભાઇ રબારી, વાઘા વીરામભાઇ રબારી, ગફુર રબારી અને દિનેશ રબારી મળવા આવ્યા હતા. જ્યાં પાંચેએ જણાવ્યું હતું કે, અમે દૂધના ધંધા સાથે સંકળાયેલા છીએ અને ભાગીદારો છીએ. દેવકરણના મુવાડા ખાતે દૂધ સેન્ટર છે ત્યાં દૂધ સારી ક્વોલિટીનું આવે છે અને તમને ગાંધીનગર સંઘ કરતા પણ સસ્તુ તથા સારું દૂધ આપીશું.જેથી નયન દેવકરણના મુવાડા દૂધ સેન્ટર જોવા ગયો હતો. જ્યાં દૂધની ક્વોલિટી સારી લાગતા રોજના સવારે 30 અને સાંજે 25 એમ 55 કેન દૂધ લેવાનું નક્કી કર્યું હતું. તે સમયે ડિપોઝિટ પેટે 50 લાખ નક્કી કર્યા હતા. ઉપરાંત દૂધનું બિલ દર દસ દિવસે બનશે જેમાંથી 1.40 લાખ ડિપોઝિટમાંથી કાપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પછી 15 સપ્ટેમ્બર 2021 અને 25 ઓક્ટોબર 2021ના રોજ ડિપોઝિટના 50 લાખ બે તબક્કે લઇ ગયા હતા.થોડા જ મહિના બાદ રાજુ રબારીએ જણાવ્યું હતું કે, હાલ દૂધ આપી શકીશું નહીં થોડા સમય પછી દૂધ ચાલુ કરી દઇશું. પરંતુ દૂધ ચાલુ કર્યું ન હતું. જેથી નયને ડિપોઝિટના પૈસા પરત માગ્યા હતા. પરંતુ ગલ્લાં તલ્લાં કર્યા હતા.ત્યારબાદ પાંચે લોકોએ જુદી જુદી બેંકના ચેકો આપ્યા હતા. પરંતુ તે ચેકો રિર્ટન ગયા હતા. જેથી આ મામલે નયને તેમની સાથે વાત કરતા થોડા સમયમાં પૈસા આપી દઇશું તેમ જણાવ્યું હતું. પરંતુ પૈસા મળ્યા ન હતા. ઉપરાંત ચેક પણ રિર્ટન જતા આ મામલે નયને ચેક રિર્ટનનો કેસ કર્યો હતો. ત્યારબાદ નયને પાંચેય સામે ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.