ગુનો@અમદાવાદ: બે વર્ષથી કામ કરતા ઘરઘાટીએ સોના-ચાંદીના દાગીના અને ભગવાનની મૂર્તિ સહિત રૂ. 23.57 લાખની ચોરી

 ફેક્ટરી માલિકના ઘરે ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.
 
ગુનો@અમદાવાદ: બે વર્ષથી કામ કરતા ઘરઘાટીએ સોના-ચાંદીના દાગીના અને ભગવાનની મૂર્તિ સહિત રૂ. 23.57 લાખની ચોરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોડકદેવમાં આવેલા મારૂતિ ઝિનોબીયામાં પુખરાજભાઇ કચ્છારા રહે છે અને છત્રાલ ખાતે ફેક્ટરી ધરાવી નોન ફેરસનો ધંધો કરે છે. અવાર નવાર બહાર જવાનું થતું હોવાથી તેઓએ ઘરની ચાવી બે વર્ષથી કામ કરતા ઘરઘાટી સુરજ મુખીયા (રહે. બિહાર)ને પણ આપી હતી. તેવામાં એક માસ પહેલાં તેઓ મુંબઇ ગુરૂજીના દર્શન અને સેવાપુજા માટે ગયા હતા. એકાદ અઠવાડિયા પહેલાં તેમના પુત્ર અંકિતભાઇ અને પુત્રવધૂ અપેક્ષાબેન પણ મુંબઇ ગયા હતા. જ્યાંથી તેઓ ગત તા.10મીએ પરત અમદાવાદ આવ્યા ત્યારે પુત્રવધૂએ ઘરમાં ચોરી થયાની પુખરાજભાઇને જાણ કરતા તેઓ પણ અમદાવાદ આવ્યા હતા. અપેક્ષાબેને તેમના બેડરૂમમાં આવેલી લાકડાની તિજોરીની ચાવી સાથે રાખી હતી અને સામાન મૂકવા જતા હતા ત્યારે તેમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની મતા ગાયબ હતી.

જેથી ઘરમાં તપાસ કરી તો ઘરઘાટી પણ હાજર ન હતો. ઘરઘાટી સુરજ મુખીયાને ફોન કરતા તેનો ફોન પણ બંધ હતો. જેથી તિજોરી અને અન્ય જગ્યાએ તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને ભગવાનની મૂર્તિ સહિત રૂ. 23.57 લાખની ચોરી થઇ હતી. જેથી ભોગ બનનાર પરિવારે આ મામલે સોસાયટીના સીસીટીવી તપાસતા ઘરઘાટી વહેલી સવારે જ ચોરીનો સામાન લઇને નીકળતો નજરે પડ્યો હતો. જેથી આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરઘાટી સુરજ મુખીયાની શોધખોળ હાથ ધરી છે.