ક્રાઈમ@અમદાવાદ: યુવતીની સગાઈ થતા તેના મંગેતરે 3 વાર મરજી વિરુદ્ધ શારિરીક સબંધ બાંધ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એક પોલીસ કર્મચારીની સગીરવયની પુત્રીની સગાઈ થતા તેના મંગેતર યુવકે લગ્ન કરવાના જ છે તેમ કહીને સગીરાની મરજી વિરુદ્ધ બે થી ત્રણ વખત સગીરા સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ મંગેતરે બોલવાનું બંધ કરીને સગાઈ તોડી નાંખવાનુ કહ્યુ હતુ. આ અંગે સગીરાની માતાએ યુવક વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં રહેતા અને શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની 17 વર્ષીય સગીર વયની પુત્રીની 2022 માં પંચમહાલના અતુલ પગી સાથે ધામધૂમથી સગાઈ કરવામા આવી હતી. દિકરી વયસ્ય થઈ જાય ત્યારબાદ લગ્ન કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સગીરા અને તેના મંગેતર વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. દરમિયાન અતુલ પગી અવારનવાર કામના બહાના હેઠળ પંચમહાલથી અમદાવાદ સગીરાના ઘરે આવતો જતો હતો. સગીરાનો પરિવાર આ બાબતથી કોઈ વાંધો ઉઠાવતો નહતો. જો કે થોડાસમય બાદ અતુલ કામ બાકી હોવાનુ બહાનુ કાઢીને રાત રોકાતો હતો. આ સંજોગોમાં રાતના સમયે પરિવારના સભ્યો સૂઈ ગયા હતા ત્યારે સગીરાના રૂમમાં જઈને તેને શરીર સબંધ બાંધવાનુ કહ્યુ હતુ. જો કે સગીરાએ લગ્ન થયા પહેલા આ રીતના સબંધ બાંધવાનો ઈન્કાર કરી દીધો હતો. જેની સામે અતુલે આપણી સગાઈ તો થઈ ગઈ છે અને હવે લગ્ન પણ કરવાના છે તેમ કહીને લગ્નની લાલચ આપીને સગીરાની સાથે તેની મરજી વિરુદ્ધ શરીરસબંધ બાંધ્યો હતો.
આ રીતે અતુલે સગીરા સાથે બે થી ત્રણ વખત શરીરસબંધ બાંધ્યો હતો. થોડા મહિનાઓ બાદ અતુલે સગીરા સાથે અચાનક વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતુ અને ઘરે પણ આવતો નહતો. આ અંગે સગીરાએ તેની માતાને જાણ કરતા સગીરાના પિતા સુધી વાત પહોચી હતી. સગીરાના પિતાએ તેમના એક સબંધી મારફતે અતુલ પગીને ફોન કરીનુ વાત બંધ કરવાનુ કારણ પુછતા અતુલે મારે હવે સગાઈ રાખવી નથી તોડી નાંખવી છે તેમ કહ્યુ હતુ. આ અંગે સગીરાને જાણ થતા તેણી તેની માતાને અતુલ પગીએ લગ્નની લાલચ આપીને બાંધેલા શરીરસબંધ વિશે વાત કરતા માતાપિતા ચોંકી ઉઠયા હતા. આ અંગે સગીરાની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અતુલ પગી વિરુદ્ધ તેમની દિકરી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.