ક્રાઈમ@અમદાવાદ: લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ઘટના બહાર આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મૂળ ઉત્તર પ્રદેશની 20 વર્ષીય યુવતી ચાંદખેડામાં પરિવાર સાથે રહે છે અને આનંદનગર સ્થિત સ્કૂલમાં અભ્યાસ કરે છે.યુવતીએ ત્રણેક દિવસ પહેલાં જ ચાંદખેડામાં સોના ગ્રૂપ ટ્યૂશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીને ત્યાં આર્ટ્સનું ટ્યૂશન રાખ્યું હતું અને ત્રણ વિષયમાં પર્સનલ ટ્યૂશન શરૂ કર્યુ હતું. ટ્યૂશન જવાનું શરૂ કર્યું તે પહેલાં યુવતી પિતા સાથે શિક્ષક પ્રકાશ સોલંકીને મળવા ગઇ ત્યારે લંપટ શિક્ષક પ્રકાશ સોલંકીએ પોતે રેકી અને હિલિંગ કરી શરીરના સાત ચક્રો જાગૃત કરતો હોવાનું કહી યુવતીના માથે અને ગળાના ભાગે હાથ મૂકી રેકી કરી હતી.
બીજા દિવસથી યુવતીએ ટ્યૂશન જવાનું શરૂ કર્યું હતું. ટ્યૂશનના પ્રથમ દિવસે જ યુવતી ક્લાસીસ પર પહોંચી ત્યારે તેણે શિક્ષક પ્રકાશ સોલંકી સાથે ટાઇમ ટેબલ બાબતે વાત કરવા જતા પ્રકાશે તેને ઓફિસમાં બોલાવી વાત કરવાનું કહ્યું હતું. બાદમાં શિક્ષકે 'તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો. પર્સનલ સે પર્સનલ બાત શેર કર સકતી હો' કહીને 'આજ મેં ફીરસે રેકી દે રહા હું' કહીને યુવતીના માથે હાથ મૂકીને મંત્ર બોલતા બોલતા છેડતી કરી ચુંબન કર્યું હતું.
જો કે વિદ્યાર્થિનીએ સ્પષ્ટ મનાઇ કરી દેતા શિક્ષકે વિદ્યાર્થિનીને અઠવાડિયામાં એકવાર રેકી કરીશું ત્યારે તું મને હગ અને કિસ કરજે હું તને પાસ કરાવી દઇશ તેવી વાત કરતા યુવતીએ ઘરે જઇને પરિવારજનોને હકીકત જણાવી હતી. તેના પિતા, ભાઇ સહિતના લોકો ટ્યૂશન ક્લાસીસ પર જતાં ત્યાં શિક્ષક પ્રકાશ સોલંકી મળી આવ્યો હતો. બાદમાં જાણ કરતા ચાંદખેડા પોલીસે શિક્ષક પ્રકાશ સોલંકી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. લંપટ શિક્ષકે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે.