ક્રાઈમ@અમદાવાદ: ભાર્ગવ રોડ પર ઇન્ડસ બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા,10 લાખ રોકડા લઇ પલાયન

ATM મશીન તોડવા માટે લાવેલા ગેસ કટર
 
ક્રાઈમ@અમદાવાદ: ભાર્ગવ રોડ પર ઇન્ડસ બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા,10 લાખ રોકડા લઇ પલાયન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો કિસ્સો જોવા મળતો જ હોય છે.અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર ઇન્ડસ બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો એટીએમ તોડવા માટે ગેસનો સિલિન્ડર અને ગેસ કટર સાથે લઇ ગયા હતા. 19 મિનિટમાં જ ચોરોએ ગેસ કટરથી એટીએમ તોડ્યું હતું અને 10 લાખ રોકડા લઇ પલાયન થઇ ગયા હતા. ચોરી બાદ ચોરો ગેસ કટર અને સિલિન્ડર બોટલ ત્યાં જ મૂકી પલાયન થઇ ગયા હતા.

આખીય ઘટના સીસીટવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ મામલે મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે. ગંભીર ઘટના હોવાને કારણે તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ છે. જે પ્રમાણેો ઘટના બની તે જોતા ચોરોએ પહેલાં રેકી કરી હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. નોંધનીય છે કે, આ એટીએમમાં પહેલાં પૈસા જ ન હતા. જો કે, 4 દિવસ પહેલાં જ આ એટીએમમાં 15 લાખ રૂપિયાની રોકડ ભરી હતી. જેથી કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.

મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પર આવેલી ઇન્ડસ્ બેંકના ATMમાં 2 શખ્સોએ ગઇકાલે રાત્રે પ્રવેશ કર્યો હતો. તેઓ ગેસનો બાટલો અને કટર પણ સાથે લઈને અંદર ઘૂસ્યા હતા. બન્ને ચોરો ATM મશીનને ગેસ કટરથી કાપીને મશીન તોડી દીધું હતું. ત્યારબાદ મશીનમાં રહેલા રોકડ રૂપિયા લઈ ફરાર થઇ ગયા હતા. ATM મશીન તોડવા માટે લાવેલા ગેસ કટર અને સિલિન્ડરનો બાટલો મૂકીને તસ્કરો નાસી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા મેઘાણીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ કરતા ATM મશીનમાં પ્રવેશ કરતા 2 શખ્સો CCTVમાં કેદ થયા હતા. જેમાં એક શખ્સ મોઢે રૂમાલ બાંધી ATMમાં રહેલ CCTV કેમેરાને સ્પ્રે મારે છે. જ્યારે અન્ય શખ્સ ગેસ કટર લઈ ATM મશીનમાં આવીને માત્ર 19 મિનિટમાં ATM મશીનને તોડી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ફરી એક વખત બેંકની બેદરકારી સામે આવી છે કેમ કે ATM મશીન તૂટ્યા બાદ પણ એલાર્મ વાગ્યું ન હતું. જો કે, ATM મશીનની એક્ટિવિટી બંધ થઈ જતા મુંબઈની બ્રાન્ચે અમદાવાદની ઈન્ડ્સ બેંકની બ્રાન્ચમાં જાણ કરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં તસ્કરો ગુજરાતની બહારના હોય અને બેંકના ATMની રેકી કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

કેમેરાથી બચવા ચોરોએ સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટ્યો

બન્ને તસ્કરો ચોરી કરવા માટે એટીએમ સેન્ટર પર સજ્જ થઇને પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કેમેરામાં કેદ ન થઇ જાય તે માટે તેમણે પોતાની પાસે રહેલો સ્પ્રે સીસીટીવી કેમેરા પર છાંટ્યો હતો. જેના કારણે સીસીટીવી કેમરાના દૃશ્ય થોડું ધૂંધળા થઇ ગયા હતા. જો કે, આમ છતાં ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઉપરાંત આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા પણ પોલીસને મળ્યા છે તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

મોટા ભાગના ATM મશીન સિક્યુરિટી ગાર્ડ વગરના

અમદાવાદ શહેરના મોટા ભાગના ATM મશીન સિક્યુરિટી ગાર્ડ વગરના હોવાના કારણે તસ્કરો ચોરી કરવામાં સફળ બને છે. આ કેસમાં પણ ઇન્ડસ બેંકના ATM ની બહાર સિક્યુરિટી ગાર્ડ નહિ હોવાથી તસ્કરોએ ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત અગાઉ નરોડા, મેઘાણીનગર, મણિનગરમાં પણ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એક પણ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે આરોપીઓને પલાયન થવામાં કોઇ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.