ગુનો@અમદાવાદ: પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી તસ્કરો 15 લાખ ભરેલી બેગ ચોરી ફરાર

પાર્કિંગમાં લોકોની ચહલ પહલ વચ્ચે ચોરી
 
 ગુનો@અમદાવાદ: પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી તસ્કરો 15 લાખ ભરેલી બેગ ચોરી ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  ચોરીનો બનાવ સામે આવતોજ હોય છે. અમદાવાદ શહેરના એઇસી રોડ પર આવેલા સૂર્યા આઇકોન બિલ્ડિંગમાં 15 લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં આવેલા ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના સિનિયર કાઉન્સિલર મિત્ર પાસેથી વીસેક લાખ રૂપિયા લાવ્યા હતા. તેમાંથી પાંચ લાખ આંગડિયું કરીને 15 લાખ ભરેલી બેગ કારમાં પાછળની સીટ પર મૂકીને પરત ઓફિસે આવ્યા હતા.

ત્યાં કાર પાર્ક કર્યા બાદ ઓફિસે ગયા હતા. ત્યાં સ્ટાફ યુવતીએ ગાડીનો કાચ તૂટેલો હોવાની જાણ કરતા ચોરીનો મામલો સામે આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી તપાસતા તસ્કરો બે મિનિટમાં બે વાર પ્રયાસ કરીને 15 લાખની ચોરીને અંજામ આપતા નજરે પડ્યા હતા. જે મામલે ગુજરાત યુનિ. પોલીસે તપાસ હાથ ધરી છે.

સોલામાં આવેલા યુનિક એઝાન્ઝામાં રહેતા પ્રગ્નેશભાઇ ગોવાણી એઇસી રોડ પર આવેલા સૂર્યા આઇકોન બિલ્ડિંગમાં ફર્સ્ટ સ્ટેપ એજ્યુકેશન ઇમિગ્રેશન કન્સલ્ટન્સી નામની ઓફિસમાં સિનિયર કાઉન્સિલર છે. શુક્રવારે સવારે તે ઓફિસે આવ્યા બાદ બપોરે ક્રેટા ગાડી લઇને મિત્ર આકાશ પ્રજાપતિ સાથે સાયન્સ સિટી રોડ પર મિત્ર અંકિત પટેલ પાસેથી પૈસા લેવા ગયા હતા. ત્યાંથી પ્રગ્નેશભાઇ, આકાશભાઇ અને અંકિતભાઇ એમ ત્રણેય મિત્રો અંકુર ચાર રસ્તા ગયા હતા. ત્યાં અંકિતભાઇ પાસેથી પ્રગ્નેશભાઇએ 17 લાખ રોકડા લઇને તે બેગ ગાડીની પાછળની સીટમાં મૂકી હતી. બાદમાં પ્રગ્નેશભાઇ પલીયડનગર ખાતે બળદેવ પટેલ પાસેથી સાડા ત્રણ લાખ લઇને સાયન્સ સિટી રોડ પરની પીએમ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાં પાંચ લાખનું આંગડિયું કરી મિત્ર આકાશ સાથે ઓફિસે આવ્યા હતા. પ્રગ્નેશભાઇ બિલ્ડિંગમાં કાર પાર્ક કરીને ઓફિસમાં ગયા ત્યારે સહકર્મી શ્વેતા સેટ્ટીએ ગાડીનો કાચ તૂટેલો હોવાની જાણ કરી હતી. પ્રગ્નેશભાઇએ પાર્કિંગમાં જઇને તપાસ કરતા ગાડીનો કાચ તૂટેલો હતો અને 15 લાખ ભરેલી બેગ ચોરી થઇ હતી. જેથી કોમ્પલેક્સના સીસીટીવી તપાસતા તેમાં બે શખ્સો બાઇક પર આવે છે અને માત્ર બે જ મિનિટમાં 15 લાખ ભરેલી બેગ ચોરી ફરાર થયા હતા.

પાર્કિંગમાં લોકોની ચહલ પહલ વચ્ચે ચોરી

બે ચોર એફ.ઝેડ બાઇક પર આવે છે, જેમાં એકે હેલમેટ પહેર્યું હતું અને બીજાએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. પાર્કિંગમાં સફાઇ કર્મી કામ કરતા હતા અને લોકોની પણ ચહલ પહલ હતી. પહેલા ચોરે ગાડીનો કાચ તોડ્યો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેગ ગાડીમાં દૂર પડી હોવાથી સફળતા મળી ન હતી. બાદમાં લોકોની અવર જવર ઓછી થતાં ફરી ત્યાં બાઇક લઇને આવીને 15 લાખ ભરેલી બેગ ચોરી કરી ફરાર થઇ ગયા હતા