ગુનો@અમદાવાદ: યુવકે પોતાના જ ઘરમાંથી 14 લાખ રૂપિયાની ચોરી આચરી

 14 લાખ રૂપિયાના 21 દાગીનાની ચોરી કરી
 
ગુનો@અમદાવાદ: યુવકે પોતાના જ ઘરમાંથી 14 લાખ રૂપિયાની ચોરી આચરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટનાઓ સામે આવીજ હોય છે.  મજબૂરીમાં યુવાનો ગમે તેવું પગલું ભરતા હોય છે. આવો જ ઘાટ વેજલપુરમાં રહેતા જૈમીન મોરે નામના યુવક સાથે થયો છે. જૈમીને જુદી જુદી લોન ભરવા માટે અને પોતાના માથે થયેલું દેવું ભરવા માટે પોતાના ઘરમાંથી જ નાના-મોટા સોનાના દાગીના ચોરીને દોઢ મહિનામાં 14 લાખ રૂપિયાના 21 દાગીનાની ચોરી કરી હતી. આ દાગીના વેચીને તેણે પોતાની લોન ભરપાઈ કરી હતી, પરંતુ ઘરમાંથી દાગીના ચોરાતા પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી અને તેની તપાસ કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ જીકે ચાવડા અને બિલાલ મોરીમાની ટીમે ચોરી કરનાર યુવક ઘરનો સભ્ય જૈમીન હોવાનું જ શોધી કાઢ્યું હતું.

વેજલપુર ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મોરે પરિવાર દ્વારા પોતાના ઘરમાંથી 14 લાખ રૂપિયાના નાના-મોટા મળી 21 દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી રહી હતી. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ ચોરીના મોટા ગુનાનો ભેદ ઉકેલવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સિંધવ અને તેમને તેમના બે પીએસઆઇની ટીમ આ ચોરી કેવી રીતે થઈ અને ચોરી કોને કરી હોય તેની તપાસના કામે લાગી ગયા હતા.

પીએસઆઇ ચાવડાએ ગુરુકૃપા સોસાયટી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ચોર ચોરી કરીને ગયો હોય તેમ જણાતું ન હતું. જેને પગલે તેમણે પરિવારના સભ્યો અને આજુબાજુના લોકોની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કોઈ મહત્ત્વની વિગતો જાણવા મળી નહોતી.

બીજીતરફ પોલીસે આ પરિવારના લોન અને અન્ય વિગતોની તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે પરિવારે લીધેલી ગાડીની લોન ભરપાઈ કરવામાં આવી હતી. જેને પગલે તેમણે તેની તપાસ પરિવાર ઉપર જ કેન્દ્રીત કરી હતી અને પૂછપરછ કરતા પરિવારનો સભ્ય જૈમીન જગદીશભાઈ મોરે ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે તેણે દેવું ચૂકવવા માટે પોતાના ઘરમાંથી દોઢ મહિના દરમિયાન 21 દાગીના ચોરીને લોન ભરપાઈ કરી હતી.

જૈમીને કહ્યું કે, તેણે ધંધા અને અન્ય જરૂરિયાતો માટે સ્થાનિક વિસ્તારના જ્વેલર્સમાંથી ટુકડે ટુકડે 17 લાખ રૂપિયાના દાગીના ઉધાર લીધા હતા. જે ચૂકવવા માટે તેણે જેટલા દાગીના બચ્ચા હતા તે વેચીને દેવું ભરપાઈ કર્યું હતું. આ ઉપરાંત તેના માથે ચડી ગયેલું દેવું અને ગાડીની લોન પૂરી કરવા માટે પોતાના ઘરમાં જ રાખવામાં આવેલા માતા-પિતા, પત્ની અને ફોઈબાના દાગીના ચોરીને પોતાના સાથી સમીર ગાયકવાડની મદદથી મુથૂટ ફાઇનાન્સમાં વેચીને તમામ લોન અને દેવું ભરપાઈ કરી દીધું હતું. પોલીસે જૈમીન અને સમીરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.