ગુનો@અમદાવાદ: યુવકે ઘરમાં 4 લાખની ચોરી કરી બોગસ ટિકિટો ખરીદી,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસ સક્રિય બનતા તેણે 75 ટિકિટો સળગાવી
 
 ગુનો@અમદાવાદ: યુવકે ઘરમાં 4 લાખની ચોરી કરી બોગસ ટિકિટો ખરીદી,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મેચને લઇને લોકોમાં એટલો બધો ક્રેઝ છે કે લોકો ગમે રીતે મેચની ટિકિટો મેળવવા માટે તૈયાર થઇ ગયા છે. આ પરિસ્થિતિનો લાભ લઇને ચોક્કસ તત્ત્વો દ્વારા બનાવટી ટિકિટો વેચી દેવામાં આવી રહી છે. શહેરના યુવકે ઘરમાં ચાર લાખની ચોરી કરી બોગસ ટિકિટો ખરીદી હતી. આ પૈકી 500 ટિકિટ 20 લાખ રૂપિયામાં વેચી દીધી હતી.

ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર મિત્રેશ ત્રિવેદીને બાતમી મળી હતી કે ખાનપુર લેમન ટ્રી હોટલ નજીક બે યુવક ભારત-પાકિસ્તાનની મેચની ડુપ્લિકેટ ટિકિટો વેચવા આવ્યા છે. ટીમે દરોડો પાડીને પ્રદીપ ઠાકોર (રહે. મહાપ્રભુજી સોસાયટી, દાદા હરિની વાવ પાસે, અસારવા) અને તેના ૧૬ વર્ષના મિત્રને ઝડપી લીધા હતા. તપાસ કરતા તેમની પાસેથી મેચની ૨૩ બનાવટી ટિકિટો મળી આવી હતી. વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે શાહીબાગમાં રહેતા વિક્કી ચૌહાણ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. તેણે ઓફર કરી હતી કે તે જોઇએ તેટલી બનાવટી ટિકિટ આપશે. આ માટે એડવાન્સ નાણાં આપવા પડશે. પ્રદીપે તેના ઘરમાંથી ચાર લાખની ચોરી કરી હતી અને તે વિક્કીને આપીને ૪૫૦૦ અને ૬૦૦૦ની કુલ ૬૦૦ ટિકિટ અને એક સીમ કાર્ડ આપ્યું હતું.

બાદમાં પ્રદીપ અને તેના સગીર મિત્રે વોટ્સએપ ગ્રૂપ બનાવીને ટિકિટો વેચાણ માટે મૂકી હતી. જેમાં તેમણે થોડા જ દિવસમાં ૫૦૦ જેટલી ટિકિટો 20 લાખમાં વેચાણ આપી હતી. પ્રદીપ અને તેનો મિત્ર એક ટિકિટ ૧૮ હજારથી માંડીને ૨૦ હજારમાં વેચાણ આપી હતી. પોલીસે નકલી ટિકિટો મામલે તપાસ વધારતા પ્રદીપ ગભરાઇ ગયો હતો અને તેણે ૭૫ ટિકિટો ઘરે જ સળગાવી દીધી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે ટિકિટ વેચાણના નાણાંથી સ્પોર્ટસ બાઇકની ખરીદી કરી હતી.