ગુનો@રાજકોટ: ફ્રન્ટી કારમાંથી વિદેશી દારૂની 262 બોટલ ક્રાઈમ બ્રાંચે ઝડપી રૂા.82800નો મુદામાલ કબ્જે કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે. આરોપીઓ ખુલ્લે આમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ગોપાલ ચોક પાસેથી રેઢી પડેલ ફ્રન્ટી કારમાંથી વિદેશી દારૂની 262 બોટલ ક્રાઈમ બ્રાંચે ઝડપી રૂા.82800નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના એએસઆઈ બલભદ્રસિંહ જાડેજા, હે.કો. કનકસિંહ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે ગોપાલ ચોક પાસે ન્યુ બાલમુકુંદ સોસાયટીમાં એક ફ્રન્ટી કારમાં દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ફ્રન્ટી કાર નં.
જીજે 03 જીએ 3554 માં તપાસ કરતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 262 બોટલ મળી આવતા શરાબ અને કાર મળી કુલ રૂા.82800નો મુદામાલ કબજે કર્યો હતો. કારની નજીકમાં ઉભેલ એક મહિલાને કાર બાબતે પુછતા જણાવેલ કે પ્રકાશ સુરેશ રાઠોડ રહે. આંબેડકર સોસાયટી શેરી નં.3 મુકી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બુટલેગર પ્રકાશ રાઠોડની તપાસ હાથ ધરી હતી.
ચુનારાવાડમાંથી દારૂની 16 બોટલ સાથે મહિલા ઝડપાઈ
ચુનારાવાડ શેરી નં.2માં ક્રાઈમ બ્રાંચના હે.કો. અનીલભાઈ સોનારા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે એક મહિલા હાથમાં થેલા સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેને અટકાવી તેની પાસે રહેલ થેલામાં તપાસ કરતા તેમાંથી દારૂની 16 બોટલ મળી આવતા તેનું નામ પૂછતા નીતાબેન લીલા ટાંક (ઉ.32) રહે. લાખાજીરાજ ચુનારાવાડ શેરી નં.2 હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂ રૂા.8 હજારનો મુદામાલ કબજે કરી મહિલાની ધરપકડ કરી હતી.