ગુનો@ગાંધીનગર: વૃદ્ધાને ખાવામાં ઝેર આપી 5.25 લાખની મત્તા ચોરનાર 3 આરોપી ઝડપાયાં

મુદ્દામાલ ચોરી પ્રેમી યુગલ રફૂચક્કર થઇ ગયુ હતું
 
 ગુનો@ગાંધીનગર: વૃદ્ધાને ખાવામાં ઝેર આપી 5.25 લાખની મત્તા ચોરનાર 3 આરોપી  ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  ચોરીની ઘટના સામે આવતી હોય છે. વૃદ્ધાને નાસ્તામાં ઝેર આપી ઘરમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂ. 5.25 લાખનો મુદ્દામાલ ચોરી પ્રેમી યુગલ રફૂચક્કર થઇ ગયુ હતું. આ ચોંકાવનારો બનાવ માણસા તાલુકાના ધમેડા ગામમાં બે દિવસ અગાઉ બન્યો હતો. તેના પગલે સતર્ક બનેલી માણસા પોલીસે પ્રેમી યુગલ સીમા અને કરણજી ઠાકોર તેમજ આનંદ ઠાકોરને ગણતરીના કલોકોમાં એક્ટિવા સાથે ઝડપી લીધા હતાં અને વાહનની ડેકીમાંથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સિનિયર સીટીઝનો માટે લાલબત્તી સમાન બનાવની વિગતો એવી છે કે ધમેડામાં રહેતાં ગોવિંદભાઈ રામદાસ પટેલ ત્રીજી ફેબ્રુઆરીએ તેમનાં દીકરા ચેતનના ઘરે અમદાવાદ ગયા ત્યારે રાત્રે ત્યાં રોકાઈ ગયા હતા. જ્યારે તેમના પત્ની શાંતાબેન ધમેડાના ઘરે એકલા હતા. તે વખતે રાતના દસ વાગ્યાના અરસામાં પડોશમાં રહેતી સીમા રમેશભાઈ પટેલ (ઉં. 25) તેના મિત્ર કરણજી ઠાકોર સાથે નાસ્તો લઈને ઘરે ગઈ હતી. પડોશીનાં નાતે સીમા આવતી જતી હોવાથી શાંતાબેને બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. ત્યારે સીમા અને કરણ બાજુમાં બેસી તેમની સાથે વાતો કરતાં શાંતાબેને નાસ્તો ખવડાવ્યો હતો. જેની થોડીવાર પછી શાંતાબેનને ઊંઘ આવી ગઈ હતી.

બીજા દિવસે પિતરાઈ ભાઈએ ફોન કરીને ચેતનને જાણ કરી હતી કે, તેની માતા ઉલટીઓ કરીને બેભાન થઈ ગયા છે. તેમને સારવાર અર્થે લઈ જવાનું કહી ચેતન અને તેના પિતા ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિક દવાખાનામાં સારવાર લીધી હોવા છતાં શાંતાબેનની તબિયતમાં સુધારો થયો ન હતો. જેથી તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાની તૈયારી કરી હતી અને પૈસા માટે ગોવિંદભાઈએ તિજોરી ખોલતાં સોના ચાંદીના દાગીના તેમજ 50 હજાર રોકડા મળીને કુલ રૂ. 5.25 લાખની મત્તા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.

જો કે શાંતાબેન બેભાન હોઈ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે પછી ભાનમાં આવેલા શાંતાબેને પડોશમાં રહેતી સીમા પટેલ તેના મિત્ર કરણજી ઠાકોર સાથે ઘરે આવી હતી અને નાસ્તો ખવડાવી ઘરમાં ચોરી કરી હોવાનું ચેતનને જણાવ્યું હતું. તેવું જાણી ચેતને માણસા પોલીસમાં ફરિયાદ આપતા પીઆઈ પી.જે ચુડાસમાએ બનાવની ગંભીરતા જાણી ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ એમ.એ વાઘેલાને સોંપી હતી.

તપાસ કરતી પોલીસે જણાવ્યુ હતું કે, સીમા પટેલ ધોરણ - 11 ભણેલી છે. જે પાડોશમાં રહેતા શાંતાબેનનાં ઘરે આવતી જતી હતી અને તેઓને મદદ કરતી હતી. દરમિયાન ઘરની તિજોરીમાં દાગીના અને રોકડ રકમ હોવાનું સીમા જાણતી હતી. દરમિયાન વર્ષ પહેલાં સીમાને કરણ ઠાકોર સાથે પ્રેમ થતાં બંને એકબીજાને મળતા હતા. ગામમાં પોતાના મામાનાં ઘરે કરણ અને તેની ફોઈનો દીકરો આનંદ ઠાકોર સાથે રહે છે. કરણ અને સીમા એકબીજાને મળતા ત્યારે આનંદ પણ જતો એટલે ત્રણેયની એકબીજા સાથે ઓળખાણ થઈ હતી.

સીમાએ પ્રેમી કરણને શાંતાબેનના ઘરની તિજોરીમાં દાગીના અને રોકડ હોવાની હોવાની વાત કરી હતી. આથી તેઓ મોકાની રાહ જોઇ રહ્યા હતા. ત્રીજી ફેબ્રુઆરીની રાત્રે શાંતાબેન ઘરે એકલા હોવાથી ત્રણેય જણા નાસ્તો લઈને ગયા હતા અને પ્લાન મુજબ શાંતાબેનને નાસ્તામાં ઝેરી પદાર્થ ખવડાવી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. બાદમાં ત્રણેય જણાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.