ક્રાઈમ@હિંમતનગર: દવાઓનો જથ્થો બનાવટી અને ભેળસેળ ધરાવતો હોવાને કારણે ડ્રગ્સ ઈન્સપેક્ટર દ્વારા આ મામલે એજન્સી સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો

તબિબી પ્રેક્ટિસ કરતા ખાનગી ડોક્ટરો કે જે બોગસ ડીગ્રી ધારક
 
અટલ સમાચાર ડોટ કોમ , ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં થોડાક સમય અગાઉ ઔષધ નિયમન વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના ગીરધરનગર વિસ્તારમાં આવેલ આશાપુરા મેડીકલ એજન્સીમાંથી 22 લાખ રુપિયાથી વધુની શંકાસ્પદ દવાઓનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દવાઓના આ જથ્થા મામલે હવે ઔષધ નિરીક્ષક કેવી પરમારે હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દવાઓનો જથ્થો બનાવટી અને ભેળસેળ ધરાવતો હોવાને લઈ ડ્રગ્સ ઈન્સપેક્ટર દ્વારા આ મામલે એજન્સી સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સુરતના અડાજણ વિસ્તારથી દવાઓનો જથ્થો મંગાવાતો હોવાનુ સામે આવ્યુ છે. સુરતના વિશાલ રમેશભાઈ ગાંધી સામે ગુનો નોંધીને તપાસ શરુ કરાઈ છે.

સુરતથી સપ્લાય

દરોડો પાડીને 22 લાખ રુપિયાથી વધારે કિંમતનો જથ્થો સીઝ કર્યા બાદ દવાના સેમ્પલને પરિક્ષણ માટે વડોદરા મોકલવામા આવ્યા હતા. જ્યાં દવાઓનો જથ્થો બનાવટી હોવાનુ સામે આવતા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેલ્લા ચારેક માસથી સંપર્કમાં રહીને સુરતના વિશાલ ગાંધી પાસેથી ત્રણેક વાર મોટા જથ્થામા દવાઓને ખરીદ કરવામાં આવી હતી. જે બીલ વિના જ કરવામાં આવી હતી. વિશાલ ગાંધી ઉદયપુરમાં આશાપુરા મેડીકલ એજન્સીના માલીક હરેશ રતીલાલને મળ્યો હતો.

નકલી દવાઓનો જથ્થો ખાનગી લોકો ઉપરાંત તબિબી પ્રેક્ટિસ કરતા ખાનગી ડોક્ટરો કે જે બોગસ ડીગ્રી ધારક છે તેમને પણ આપતા હતા. ભદ્રેસરના ડોક્ટર મનોજભાઈને પણ મોટો જથ્થો આપ્યો હોવાનુ ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે.

ફરિયાદમાં નોંધવામાં આવ્યુ છે કે, આરોપીઓએ દેશ વ્યાપી રીતે બનાવટી દવાઓનુ વેચાણ કર્યુ હોઈ શકે છે. આરોપી વિશાલ ગાંધી પાસેથી વધારે મોટો જથ્થો મળી શકે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ વિશાલ ગાંધીના હાથ લાગવા સાથે બનાવટી દવાઓના ઉત્પાદન અંગેની વિગતો પણ મળી શકવાની દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. ફરિયાદમાં એ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, જો દવાઓના વેચાણનો ફેલાવો વધારે હશે તો, લોકોના આરોગ્ય સામે મોટુ જોખમ સર્જાઈ શકે છે. દવાઓ ઝેર સમાન ગણાવીને આરોપીઓ સામે તપાસ શરુ કરવામાં આવી છે.