ક્રાઈમ@રાજકોટ: આરોપીએ પરિણીતાના ઘરમાં ઘૂસી 2 વાર દુષ્કર્મ આચર્યું અને ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં બળત્કારની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારની ઘટનાઓ સામે આવતી હોય. રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પરિણીતાના ઘરમાં ઘૂસી તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી આપી બબ્બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
શહેરમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ કોઠારીયા ગામના જયેશ ગમારા નામના શખસ સામે આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી નજીકમાં જ રહેતો હોવાથી તે પરિચયમાં આવ્યો હતો અને ગત તારીખ 13 જાન્યુઆરીએ ફોન કરી "મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે" તેમ કહેતા તેણીએ ના પાડી હતી છતાં આરોપી ઘરે ધસી આવ્યો હતો.
ઘરે કોઈ હાજર ન હોય ત્યારે તેણીને તેના જ ઘરના ઉપરના રૂમમાં લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આ અંગે જો કોઈને વાત કરીશ તો તારા પતિ અને બાળકને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ પછી 15 જાન્યુઆરીએ ફરી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે પરિણીતાએ પરિવારને જાણ કરતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહેતા અંતે તેની સામે ફરિયાદ નોંધાવતા હાલ આજી ડેમ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.