ગુનો@રાજકોટ: 3 દુકાનોમાંથી તસ્કરોએ રોકડ રૂા.9.50 લાખની ચોરી આચરી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ છાસવારે ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકતા હોય છે. ત્યારે ગઈ મોડી રાતે સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં આવેલ ગાયત્રી કોમ્પ્લેક્ષમાં આવેલ ત્રણ બુકાનીધારીએ ત્રાટકી રોકડ રૂ.9.50 લાખની ચોરી કરી નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન -2, એસીપી ક્રાઇમ, બી ડિવિઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફુટેજના આધારે બુકાનીધારીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલ ઇમિટેશન માર્કેટમાં ગાયત્રી કોમ્પ્લેક્ષમાં ડેનિશા સેલ્સ, મિતલ જવેલર્સ અને ગણપતિ સેલ્સ નામની દુકાન આવેલ છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ ડેનિશા સેલ્સના માલિક ગૌતમભાઈ અરવિંદભાઈ મહેતા (રહે. સંત કબીર રોડ ડી માર્ટ પાછળ, ક્રિસ્ટલ સીટી કોમ્પ્લેક્ષ) પોતાની દુકાને આવી દુકાન ખોલી જોતાં ટેબલના ડ્રોવરમાં સમાન વેરવિખેર પડેલ જોવા મળતાં તપાસ કરી તો તેમાં રાખેલા રૂ. સાત લાખ રોકડા જોવા મળેલ ન હતાં અને ચોરી થયાની જાણ થઈ હતી. બાદ બાજુમાં આવેલ મિતલ જવેલર્સના માલિક ભાવેશભાઈ ઘોડાસરાએ પોતાની દુકાનમાં તપાસ કરતાં તેમાંથી પણ રોકડ રૂ.1.50 લાખની ચોરી થયાનું સામે આવ્યું હતું.
તેમજ તે જ કોમ્પ્લેક્ષમાં આવેલ ગણપતિ સેલ્સના માલિક ભરતભાઇ પ્રજાપતિની દુકાનમાંથી પણ રોકડ રૂ.1 લાખની ચોરી થયાની જાણ થઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતાં બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ ટીમ સાથે દોડી આવ્યા હતાં. તેમજ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સજ્જનસિંહ પરમાર, એસીપી ક્રાઇમ ભરત બસિયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વેપારીની ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
વધુમાં ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, બુકનીધારી કોમ્પ્લેક્ષની પાછળ આવેલ નવી બાંધકામ સાઈટ પરથી કોમ્પ્લેક્ષના છત પર ચડી બારી તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. સીસીટીવી ફુટેજમાં ત્રણ બુકનીધારી જોવા મળતા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
કોમ્પ્લેક્ષમાં પાંચમા માળે પહોંચેલા બુકાનીધારી બારી તોડી અંદર પ્રવેશ્યા બાદ નીચે ઉતરવા માટે ગ્રીલ તોડી એક બાદ એક માલ ફંગોળતા નીચે ઉતરતાં ગયા હતાં અને તેઓ રોકડ ચોરવા આવ્યા હોય તેમ ઇમિટેશનનો માલને ઉઠાવ્યો ન હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ત્રણેય દુકાનમાં પડેલ રોકડની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
સંતકબીર રોડ પર ચોરીના બનાવમાં બુકનીધારી શખ્સો બાંધકામ સાઈટ પરથી ત્રાટકયા હતા અને તે જ રસ્તેથી પરત નાસી છૂટ્યાનું સામે આવ્યું હતું. જેથી તસ્કરો જાણભેદુ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. જ્યારે બુકનીધારીમાં એક શખ્સે એક શર્ટ વગર અને બે શખ્સોએ ટી શર્ટ પહેર્યા હોવાનું ખુલતાં પોલીસે તપાસ ગતિમાન કરી હતી.