ગુનો@રાજકોટ: દુકાનની દીવાલમાં બાકોરું પાડી તસ્કરોએ 13 મોબાઈલ ફોનની ચોરી કરી

મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી છે
 
ગુનો@રાજકોટ: દુકાનની  દીવાલમાં બાકોરું પાડી તસ્કરોએ 13 મોબાઈલ ફોનની ચોરી કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગાએથી ચોરીના બનાવ સામે આવતા હોય છે. 

રાધે સેમસંગ સ્ટોરમાં દીવાલમાં બાકોરું પાડી તસ્કર દ્વારા 13 મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી છે. મધરાતે ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. ફરિયાદ નોંધાતા ઉપલેટા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઉપલેટામાં 20 વર્ષથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો શો રૂમ ધરાવતા ફરિયાદી સુધીરભાઈ અમૃતલાલ વેકરીયા (ઉ.વ.43)એ જણાવ્યું કે હું ઉપલેટા ખાતે ગોકુલ નગર, સ્વામિનારાયણ મંદિર પાછળ મારા પરિવાર સાથે રહું છું.

અને ઉપલેટામાં બડા બજરંગ રોડ ઉપર રાધે સેમસંગ સ્ટોર નામની મોબાઇલ ફોન તથા એસેસરીઝની દુકાન આવેલ છે ત્યાં વેપાર કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.

બપોરના આશરે દોઢ વાગ્યે હું મારી દુકાન બંધ કરી ઘરે જતો રહેલ. બીજે દિવસે સવારના આશરે નવેક વાગ્યે હું અમારી ઉપરોક્ત દુકાને ગયેલ અને દુકાનનો દરવાજો ખોલી અંદર ગયેલ અને દુકાનમાં લાઇટ ચાલુ કરીને જોયું તો અમારી દુકાનમાં અગાસીમાં ઉપર જવાની સીડી તરફની દિવાલ તોડેલ અને બાકોરૂ પાડેલ હતું અને દુકાનનો સામાન વેર વિખેર હતો.

જેથી મેં અમારી દુકાનમાં મોબાઇલ કાઉન્ટરમાં રાખેલ મોબાઇલ ચેક કરતા સેમસંગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ 11 તથા નોકીયા કંપનીના સાદા મોબાઇલ 2 મળેલ નહીં. દુકાનમાં લગાવેલ સી.સી.ટી.વી. જોતા મોડી રાત્રીના આશરે 2.30 વાગ્યે અજાણ્યો શખ્સ અમારી દુકાનમાં ચોરી કરવા પ્રવેશ કરવા બાકોરૂ પાડતો હોવાનું અને 3.55 વાગ્યે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ દુકાનના કેમેરા ફેરવેલ હોવાનું દેખાતું હતું. આ મારી દુકાનમાંથી ચોરાયેલ 13 મોબાઇલની કિંમત રૂ.1,98,391 થાય છે. મને ચોરી થયાનો ખ્યાલ આવ્યા પછી મારા મિત્ર રાજુભાઇ જનતા સાબુ વાળા તથા નિરવભાઈ પોકીયા તથા અનિલભાઈ વસોયાને વાત કરેલ પછી ફરીયાદ કરવા પોલીસ મથકે ગયા હતા.


રાધે સેમસંગ સ્ટોરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ રૂરલ એલસીબીએ ગણતરીની કલાકમાં જ ઉકેલી નાખ્યો છે. આરોપી રાહુલ પુંજા ચંદ્રવાડીયા (ઉ.વ. 35, રહે. ઉપલેટા સ્વામીનારાયણ સોસા. વીજળી રોડ રઘુવીર બંગલા પાસે તથા સુરત વરાછા સરદાર માર્કેટ પાસે)ની ધરપકડ કરી રૂ.2.61 લાખની કિંમતના 17 ફોન કબ્જે કર્યા છે. આ કામગીરી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, હેડ કોન્સ્ટેબલ, શક્તિસિંહ જાડેજા, વિરાજભાઈ ધાધલ, દીવ્યેશભાઈ સુવા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, કોન્સ્ટેબલ અબ્દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.