ગુનો@રાજકોટ: વૃધ્ધાના મકાનમાં તસ્કરો ત્રાટકયા અને રૂ.2.74 લાખની ચોરી આચરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવ સામે આવતાજ હોય છે. ગાયત્રીનગરમાં બે દિવસ બંધ રહેલ વૃધ્ધાના મકાનમાં તસ્કરોએ ત્રાટકી દસ તોલા સોનુ અને રોકડ મળી રૂ.2.74 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગાયત્રીનગર શેરી નં. 2/10 ભીમનાથ મહાદેવ મંદિર સામે "શ્રી માતૃકૃપા" મકાનમાં રહેતાં પ્રવિણાબેન છોટાલાલ મહેતા (ઉ.વ.78) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે ગઈ તા.
08/01/2024 ના તેમનું મકાન બંધ કરી પોતાની પુત્રીના ઘરે ગયેલ હતા. બાદમાં તેઓ આજે સવારે પરત ઘરે આવતાં જોયું તો તેમના ઘરના મુખ્ય દરવાજાનો તાળાનો નકુચો તૂટેલ હતો અને ઘરમાં તપાસ કરતાં કબાટ ખુલ્લો હતો અને માલસામાન વેર વિખેર પડેલ હતો.
જેમાં રાખેલ 10 તોલા સોનુ અને રોકડ પણ જોવા ન મળતાં બે દિવસની અંદર કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી દસ તોલા સોનુ અને રોકડ રૂ.22 હજાર મળી કુલ રૂ.2.74 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
વધુમાં વૃધ્ધાના જમાઈ પરેશભાઈએ જણાવ્યું હતું કે, તેમના સસરા નિવૃત્ત શિક્ષક હતાં અને તેમનું અવસાન થયેલ છે. અને તેમના સાસુને પગની તકલીફ હોવાથી સાધુવાસવાણી રોડ પર રહેતી પુત્રીના ઘરે સારવાર અર્થે ગયેલ હતાં. ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.