ગુનો@અમદાવાદ: ટ્રાવેલ્સની ઓફિસમાંથી તસ્કરો રૂ.23.37 લાખ ચોરી આચરી, વિગતે જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવર-નવાર ચોરીના બનાવો સામે આવતાજ હોય છે. ગુનેગારો લોકોનું કામાવેલું બધું લઈને ફરાર થઇ જાય છે. શહેરના મકરબા વિસ્તારમાં આવેલા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર સામે આવેલી પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં 23.37 લાખની ચોરી થઈ છે. ગઈકાલે સાંજે માલિકનો પુત્ર રાત્રે 11 વાગ્યા સુધી ઓફિસે બેઠો હતો. ત્યારબાદથી સવાર સુધીના સમયમાં તસ્કરોએ સ્લાઈડર બારીમાંથી પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બોડકદેવમાં આવેલી લાડ સોસાયટીમાં રહેતા મેઘજીભાઈ ખેતાણી પટેલ ટ્રાવેલ્સ નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરે છે. તેમની એક ઓફિસ મકરબા પોલીસ હેડક્વાર્ટર સામે આવેલી છે. મેઘજીભાઈની 230 ટ્રાવેલ્સ બસ છે અને 450 લોકોના સ્ટાફ છે. આ તમામ લોકોનો આગામી 15મી ફેબ્રુઆરીએ પગાર કરવાનો હોવાથી તેમણે બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 23.37 લાખ ઉપાડીને ઓફિસમાં ટેબલના ડ્રોઅરમાં મૂક્યા હતા.
સોમવારે મેઘજીભાઈ આ ટેબલના ખાનાને લોક મારીને ઘરે ગયા હતા. મંગળવારે સવારે ડ્રાઈવર રમેશભાઈ પાટીદારે ફોન કરીને ઓફિસની પાછળની બારી ખુલ્લી હોવાની જાણ કરી હતી. જેથી મેઘજીભાઈએ ચોરીની શંકાને લઈને તેમના પુત્ર ગૌરાંગભાઈને ફોન કરતા તે રાત્રે 11 વાગ્યા સુધી ઓફિસે હાજર હોવાનું જણાવ્યું હતું. જેથી મેઘજીભાઈ તાત્કાલિક ઓફિસે ગયા અને તપાસ કરી તો ઓફિસમાં ટેબલના ડ્રોઅર ખુલ્લા હતા અને ચોરી થઈ હતી.
વધુ તપાસ કરતા ઓફિસની પાછળના ભાગે આવેલી સ્લાઈડર બારીના લોક હેન્ડલના સસ્ક્રૂ ખુલ્લા હતા. જેથી તસ્કરોએ બારી વાટે ઓફિસમાં પ્રવેશ કરીને ટેબલના ડ્રોઅરનું લોક તોડીને રૂ. 23.37 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ મામલે સરખેજ પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.