ક્રાઈમ@વડોદરા: હવસખોર રિક્ષાચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને ફરાર, પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપ્યો

પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં  દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે.વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી વસંત કુટીર બિલ્ડિંગના દાદર પર ધોળેદિવસે યુવતી ઉપર રિક્ષાચાલકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સયાજીગંજ પોલીસે CCTVની મદદથી આરોપીની ધરપકડ કરી છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલી યુવતીને મદદ આપવાના બહાને આરોપી રિક્ષાચાલક વસંત કુટીર બિલ્ડિંગમાં લઇ ગયો હતો. જ્યાં હવસખોર રિક્ષાચાલકે દાદર પર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો.


વડોદરા શહેરની એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતી મૂળ રાજસ્થાનની 39 વર્ષીય યુવતી સાથે સાયબર ફ્રોડ થયું હતું. જેથી યુવતીએ 1930 નંબર ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે યુવતી ગઇકાલે બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નીકળી હતી. જો કે, યુવતી પાસે રિક્ષાના ભાડાના રૂપિયા પણ નહોતા. આ સમયે સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક રિક્ષાચાલક યુવતીને મળ્યો હતો અને તેને યુવતીને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.


યુવતી બેંક સ્ટેટમેન્ટ લેવા માટે બેંકમાં જવા માટે નીકળી હતી અને રિક્ષાચાલકના સંપર્કમાં આવી હતી. રિક્ષાચાલકે પણ યુવતી સાથે સંવાદ શરૂ કર્યો હતો અને પોતાની મુશ્કેલી અંગે રિક્ષાચાલક સાથે વાત કરી હતી. જેમાં રિક્ષાચાલકે યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. રિક્ષામાં બેસાડ્યાં બાદ ચાલકે યુવતીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. જે બાદ યુવતીને સયાજીગંજ વિસ્તારની ગોલ્ડન લીફ નામની હોટલમાં લઇ ગયો હતો, પરંતુ હોટલ બંધ હોવાથી હવસખોર રિક્ષાચાલકે વસંત કુટીર બિલ્ડિંગના પગથિયામાં જ યુવતી સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયો હતો.


રિક્ષાચાલકે કરેલા દુષ્કર્મથી યુવતી ગભરાઈ ગઇ હતી અને પીડિતાએ મદદ માટે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. જેથી અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


પીડિત યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી રિક્ષાચાલક વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહે છે અને સયાજીગંજ પોલીસે તેની ઓળખ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે CCTVની મદદથી ગણતરીની કલાકોમાં જ આરોપી રિક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. આરોપી હાર્દિક ત્રિવેદી સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અને વાપી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનમાં આઠ ગુના નોંધાયેલા છે.