ક્રાઈમ@ભરૂચ: 11 વર્ષની સગીરા પર પડોશીએ દુષ્કર્મ આચર્યું, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે પડોશી આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષની સગીરા તેના માતા-પિતા સાથે તાડપત્રીથી બનેલા ઝૂંપડામાં રહે છે. આ ઝૂંપડામાં મુખ્ય દરવાજો કે પાછળની દીવાલ ન હોવાથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહોતી.
ઘટનાની રાત્રે મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાથી ઘરમાં ધુમાડો કરવામાં આવ્યો હતો, જેથી સગીરાના માતા-પિતા ધાબળો ઓઢીને સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે અંદાજે એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન પડોશમાં રહેતો પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર અંધારાનો અને ઝૂંપડામાં દરવાજો તથા વીજળી ન હોવાનો લાભ લઈ ઘરમાં ઘૂસી ગયો હતો.
આરોપીએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
ઘટના અંગે સગીરાના પિતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર સામે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો.
આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી ફરિયાદ નોંધાયા બાદ કેટલાક અસામાજિક તત્વો પીડિત પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરી ધમકી આપી હોવાની પણ ચર્ચા છે. જેને લઈને પીડિત પરિવારે રાત્રિના સમયે 112 પર ફોન કરીને પોલીસ પાસે મદદ માંગી હોવાનું જાણવા મળ્યું છે.

