ક્રાઈમ@ગુજરાત: અજાણ્યો શખ્સ વેપારીની કારનો કાચ તોડીને ડોક્યુમેન્ટ સહિત રૂ. 4 લાખ ભરેલી બેગ લઇને ફરાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઓઢવમાં વેપારી તેમના મિત્ર સાથે ધંધાકીય કામ માટે બેન્કમાં ગયા તે દરમ્યાન અજાણ્યો શખ્સ તેમની કારનો કાચ તોડીને ડોક્યુમેન્ટ સહિત રૂ. 4 લાખ ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો હતો. તેમમે બેન્કની સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી. આ અંગે વેપારીએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
સાઉથ બોપલમાં રહેતા નિમેષભાઇ જોષી ઓનલાઇન ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ કરે છે. ગઇ 16 સપ્ટેમ્બરે સવારે તેઓ બેન્કની પાસબુક તથા એક બેગમાં રૂ. 4 લાખ રોકડા લઇને કારમાં ધંધાકીય કામઅર્થે હાથીજણ જવા નીકળ્યા હતા. બાદમાં હાથીજણથી તેમના મિત્ર નાગેન્દ્ર મિશ્રા સાથે ઓઢવ રિંગ રોડ પર આવેલી બેન્કમાં ધંધાકીય કામથી ગયા હતા. તે વખતે કાર તેમણે બેન્ક ઓફ બરોડાની સામે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી અને રૂપિયા ભરેલી બેગ પાછળની સીટ મૂકી હતી.
નિમેષભાઇ અને તેમના મિત્ર બેન્કમાં ગયા તે સમયે અજાણ્યા શખ્સે કારનો પાછળનો કાચ તોડીને રૂ. 4 લાખ ભરેલી બેગ લઇને પલાયન થઇ ગયો હતો. જે બાદ નિમેષભાઇ પરત કાર પાસે આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો જોતા તેમણે કારમાં બેગ ચેક કરતા મળી આવી ન હતી. આ અંગે નિમેષભાઇએ અજાણ્યા શખ્સ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.