ક્રાઈમ@ગુજરાત: દિવાળીની રાત્રે લોહિયાળ જંગ: ફટાકડા મામલે 5ની હત્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં દિવાળીના તહેવારની ઉજવણી લોહિયાળ બની ગઈ. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે રાજ્યના ચાર શહેરોમાં 5 યુવકોની હત્યા થઈ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં બે હત્યા: શહેરના ભટાર વિસ્તારમાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે ઉર્ફે સન્ની બાળકો સાથે ફટાકડા ફોડતો હતો ત્યારે શાહિદ નામના શખ્સ અને તેના 6-7 સાગરિતોએ તેને ઘેરી લઈ છાતીમાં 5 તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દીધી. સન્નીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો પણ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. CCTVમાં ઘટના કેદ થઈ છે.
રાજકોટમાં કાકાની હત્યા: ભક્તિનગરમાં ફટાકડા બાબતે થયેલી બોલાચાલીમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું. આ દરમિયાન સ્કૂલ વાન ચલાવતા અજીત સિંધવ અને તેના ભત્રીજા પર છરી વડે જીવલેણ હુમલો થયો. અજીતનું મોત થયું છે, ભત્રીજો ગંભીર છે. માલવિયા નગર પોલીસે ઈન્દ્રજીતસિંહ અને યશરાજસિંહની ધરપકડ કરી છે.
ભાવનગરમાં ધારિયાથી હત્યા: ભાવનગરના કુંભારપરામાં રોહિત ઉર્ફે બટુ બારૈયા (25)ની જૂની અદાવતમાં ધારિયા અને છરીથી હત્યા કરાઈ.
અમરેલી (ખાંભા): ભગવતીપરામાં બે જૂથોની અથડામણમાં સુલતાન સોલંકી નામના યુવકની હત્યા થઈ, 5 લોકો ઘાયલ થયા.
પોલીસે તમામ કેસમાં ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

