ક્રાઇમ@ગુજરાત: 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, જાણો વધુ વિગતે

100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
 
ક્રાઇમ@ગુજરાત: 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર હદય કંપાવી ઊઠે એવી જસદણના આટકોટમાં દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ ન થતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી. 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. ગત 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.

આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બુમાબુમ કરતા તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.

પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતાં તે નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. જનાના હોસ્પિટલનાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હાલ બાળકીની તબિયત સ્થિર છે. અને આગામી 2-3 દિવસમાં રિકવર થયા બાદ રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

આ સમગ્ર બાબતે રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પોલીસે 10 જેટલી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસીંગ તેરસીંગને ઓળખી જતા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. આ આરોપી પણ અહીં આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.

રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી સિવાય અન્ય કોઈ આરોપી નથી. જે ખેતરમાં બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે.

આ ઘટના સામે આવતા કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને આરોપીને પકડવા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જો કે આરોપી પકડાઈ ગયો છે.