ક્રાઇમ@મહેસાણા: લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થતા આરોપી સામે ફરિયાદ નોંધાઈ, જાણો સમગ્ર ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જીલ્લામાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે.મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગામમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક 14 વર્ષ 5 માસની સગીરાને લગ્નની લાલચ આપી અથવા પટાવી-ફોસલાવી ગામમાં આવેલા એક મંદિર પાછળ લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સગીરા ગર્ભવતી બની જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે ભોગ બનનારની માતાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ પીડિત સગીરાની માતા જ્યારે મજૂરી અર્થે જતી હતી ત્યારે સગીરા ગામના મહાકાળી માતાના મંદિર પાસે માતાની પરત આવવાની રાહ જોઈને બેસતી હતી. આ સમયનો લાભ ઉઠાવી ગામના જીગરજી ઉર્ફે જીગો વિષ્ણુજી ઠાકોર નામના શખ્સે સગીરા સગીરવયની હોવાનું જાણવા છતાં તેને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મહાકાળી માતાના મંદિરથી વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં અવાર-નવાર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન આચરેલા આ દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ બાબતની જાણ પરિવારને થતા ગંભીરતા સમજી માતાએ તાત્કાલિક લાઘણજ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે આરોપી જીગરજી ઠાકોર સામે બી.એન.એસ.ની કલમ 64(2)એમ,65(1),137(2) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

