ક્રાઇમ@મહેસાણા: રેલવે સ્ટેશન પરથી 3 વર્ષના બાળકનું અપહરણ, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી 3 વર્ષના માસૂમ બાળકના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.દિવાળીના બીજા દિવસે એક મહિલા પોતાના 3 વર્ષના પુત્ર સાથે પ્લેટફોર્મ પર બેઠી હતી. તે દરમિયાન એક અજાણ્યો ઉઘાડપગો યુવક તેમની પાસે આવ્યો હતો. તેણે પહેલા મહિલા સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં બાળકને નાસ્તો કરાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો.
થોડીવાર સુધી બાળક પાછો ન આવતા મહિલાએ પ્લેટફોર્મ પર આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાળક ક્યાંય મળ્યો ન હતો. ત્યારબાદ મહિલાએ પોલીસને જાણ કરી હતી.બનાવ અંગે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકને ઝડપથી શોધી કાઢવા માટે પોલીસે 5 અલગ-અલગ ટીમો બનાવી છે.
પોલીસે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસ્યા છે. જેમાં ઉઘાડપગો યુવક બાળકને લઈ જતો સ્પષ્ટ દેખાય છે. CCTV ના આધારે પોલીસે આસપાસના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી છે.3 વર્ષના બાળકને સહી-સલામત શોધી કાઢવા પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.

