ક્રાઇમ@મહેસાણા: શેરબજારના નામે છેતરપિંડી આચરતા 3 આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપ્યા

દેશભરમાંથી કુલ રૂ. 57 લાખથી વધુની ઓનલાઈન ફરિયાદો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

છેતરપિંડી આચરતી ગેંગના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.એલસીબી ટીમને સુલીપુર ગામે મુકેશજી દુધાજી ઠાકોરના મકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ શેરબજારમાં રોકાણ પર મોટો નફો આપવાની લાલચ આપી લોકો સાથે ફ્રોડ કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

મુખ્ય સૂત્રધાર ફરાર

બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડીને સ્થળ પરથી રાહુલજી દિનેશજી ઠાકોર (રહે. સુલતાનપુર, વડનગર), અરવિંદજી ગાંડાજી ઠાકોર (રહે. ગોઠવા, વિસનગર) અને રામાજી લવજીજી ઠાકોર (રહે. છાબલીયા, વડનગર) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર મુકેશજી દુધાજી ઠાકોર (રહે. સુલીપુર) પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે સ્થળ પરથી રૂ.1 લાખની કિંમતના 5 એન્ડ્રોઇડ મોબાઇલ, રૂ. 25 હજારનું 1 લેપટોપ, રૂ. 3 લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને રેન્ડમ મોબાઇલ નંબર લખેલા કાગળો મળી કુલ રૂ. 4,25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી તપાસતા સામે આવ્યું છે કે તેઓ પોતાના એન્ડ્રોઇડ ફોનમાં 'માર્કેટ પલ્સ' નામની એપ્લિકેશન રાખતા હતા અને તેમાં શેરબજારની વધઘટ જોઈ કોલિંગ તથા વોટ્સએપ મારફતે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકોને સંપર્ક કરતા હતા. તેઓ પોતાને 'અંબિકા ટ્રેડિંગ કંપની'ના એડવાઇઝર, એજન્ટ કે બ્રોકર ગણાવી હિન્દી ભાષામાં વાતચીત કરી રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપતા હતા. વિશ્વાસમાં લીધા બાદ ગ્રાહકો પાસેથી પોતાના અને મળતિયાઓના બેંક ખાતાઓમાં પૈસા નંખાવતા હતા, પરંતુ તે રકમનું શેરબજારમાં રોકાણ કરવાને બદલે પોતે પચાવી પાડી છેતરપિંડી આચરતા હતા.

દેશભરમાંથી કુલ રૂ. 57 લાખથી વધુની ઓનલાઈન ફરિયાદો

ઝડપાયેલા શખ્સોમાં લેપટોપ અને મોબાઈલની પ્રાથમિક તપાસમાં તેઓએ આઈડીબીઆઈ બેંક, સર્વોદય બેંક અને કાલુપુર મર્કેન્ટાઈલ બેંકના એકાઉન્ટમાં રૂ. 28,07,820 મેળવ્યા હોવાનું ખુલ્યું છે. આ સિવાય સમન્વય પોર્ટલ પર તપાસ કરતા આ બેંક એકાઉન્ટ્સ અંગે દેશભરમાંથી કુલ રૂ. 57,30,000ની ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

બેંક ખાતામાં રૂ.12 કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન મળ્યા

સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા આઈડીબીઆઈ બેંક ખાતામાં રૂ. 2.19 કરોડથી વધુ, સર્વોદય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક (ડીસા) ખાતામાં રૂ. 2.01 કરોડથી વધુ અને તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક ખાતામાં રૂ.8.32 કરોડથી વધુ મળી કુલ કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ અંગે એલસીબી મહેસાણા દ્વારા પકડાયેલા ત્રણેય આરોપીઓ, ફરાર મુકેશજી ઠાકોર અને તપાસમાં બહાર આવનાર તમામ સાગરીતો વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.