ક્રાઈમ@મોરબી: 2 માનસિક અસ્વસ્થ મહિલાઓ પર નરાધમોએ દુષ્કર્મ આચર્યું

આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
 
ક્રાઈમ@મોરબી: 2 માનસિક અસ્વસ્થ મહિલાઓ પર નરાધમોએ દુષ્કર્મ આચર્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોરબી શહેરની એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્વસ્થ મહિલાઓ પર અજાણ્યા નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી. હવસખોર શખ્સોએ સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી, તેની દીવાલમાં બાકોરું પાડીને શખ્સો અંદર ઘૂસ્યા હતા. નરાધમોએ રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી અને ગુનો આચરી ફરાર થઈ ગયા હતા.

આ ગંભીર બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક પુરાવાઓ અને સંસ્થાની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વર્તમાન સમયમાં જ્યારે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, ત્યારે મોબાઈલ પર ઉત્તેજના ફેલાવતી સામગ્રી જોયા બાદ માનસિક વિકૃતિના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું જણાય છે. અગાઉ પણ નાની બાળાઓ અને સગીરાઓ સાથેના દુષ્કર્મની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે નિરાધાર અને અશક્ત મહિલાઓ સાથે આચરાયેલું આ કૃત્ય સંવેદનશીલ સમાજ માટે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે.

હાલમાં મોરબી પોલીસે આ કેસમાં કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.