ક્રાઈમ@પાટણ: પડોશી યુવકે 11 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં દશેરાની રાત્રે જ દાનવીય માનસિકતા ધરાવતા પડોશી યુવકે 11 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે.
ગરબા ચોકમાં દીકરી સાથે રહેલા પિતા ઘરે મહેમાન આવતાં થોડીવાર માટે શું ગયા, ત્યાં જ નરાધમે બાળકીને એકલી જોઈ તેનો હાથ પકડી બળજબરીથી ઢસડી જઈ દુષ્કર્મ આચર્યું હતું.
જોકે, ગરબી ચોકમાંથી માઈકમાં બાળકીનું નામ એનાઉન્સ થતાં ગભરાયેલો આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને બાળકી પરિવાર પાસે પહોંચી શકી હતી. હારીજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બનાવની વિગત મુજબ, હારીજ તાલુકાના એક ગામમાં કડિયાકામ કરતા શ્રમિક પરિવારની 11 વર્ષ અને 4 મહિનાની દીકરી ગત 20 ઓક્ટોબરની રાત્રે દશેરાના પર્વે ગામમાં ગરબા જોવા અને રમવા માટે ગઈ હતી. દીકરીના પિતા પણ ગરબી ચોકમાં હાજર હતા. તે દરમિયાન ઘરે મહેમાનો આવતાં પિતા ઘરે ગયા હતા અને બાદમાં પરત ગરબી ચોકમાં આવ્યા હતા. ત્યાં દીકરી ન જણાતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી.
લાંબી શોધખોળ છતાં બાળકી ન મળતાં આખરે રાત્રે આશરે 11:00 વાગ્યાના સુમારે ગરબાના માઈક પર તેનું નામ એનાઉન્સ કરાવવામાં આવ્યું હતું. નામ બોલાયાના થોડી જ વારમાં બાળકી રડતી હાલતમાં ઘર તરફ આવતી જોવા મળી હતી.
બાળકીએ પરિવારજનો સમક્ષ આપવીતી જણાવતાં કહ્યું હતું કે, તે ગરબા જોવા નીકળી ત્યારે પડોશમાં રહેતો 20 વર્ષીય યુવક તેના ઘર નજીકથી તેનો હાથ બળજબરીથી પકડી, ઢસડીને ગામની એક શેરીમાં આવેલા વાડાના ઉકરડા પાછળ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે મારપીટ કરી દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન ગરબી ચોકમાંથી માઈકમાં બાળકીનું નામ બોલાતાં આરોપી ગભરાઈને ભાગી ગયો હતો અને બાળકી ઘરે પરત ફરી હતી.
આ સમગ્ર બનાવો અંગે બાળકીના પરિવારે હારીજ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે BNS અને POCSO કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હારીજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે આરોપીને જેલહવાલે મોકલવાનો આદેશ કર્યો હતો.
તપાસ અધિકારી પી.આઈ. એ.બી. મહેરીયાએ જણાવ્યા મુજબ, કેસમાં આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે બાળકીની મેડિકલ તપાસ અને અદાલત સમક્ષ નિવેદન નોંધાવવા સહિતના અન્ય પુરાવા એકત્રિત કરવાની કાયદેસરની કામગીરી હાલ ચાલુ છે.

