ક્રાઈમ@રાજકોટ: 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ, જાણો વધુ વિગતે

પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
ક્રાઈમ@રાજકોટ: 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં હદય કંપાવી ઊઠે અને સમાજને શર્મસાર કરતી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક નરાધમ દિવ્યાંગ પિતાએ પોતાની જ સગી પુત્રી પર છેલ્લાં ચાર વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારથી તેની સાથે સગા બાપે હેવાનિયત શરૂ કરી હતી. રક્ષક જ ભક્ષક બનતા પિતાએ સંબંધની મર્યાદા ઓળંગી, પુત્રીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું.

આ નિંદનીય કૃત્ય છેલ્લાં ચારેક વર્ષથી ચાલી રહ્યું હતું. એટલું જ નહીં, આરોપી દિવ્યાંગ પિતા માત્ર દુષ્કર્મ આચરીને અટકતો નહોતો, પરંતુ પુત્રીને ઢોરમાર મારીને શારીરિક અને માનસિક રીતે અસહ્ય ત્રાસ પણ આપતો હતો. પિતાના ડર અને સામાજિક બદનામીની બીકે પુત્રી લાંબા સમય સુધી આ યાતના મૂંગા મોઢે સહન કરતી રહી હતી.

આખરે અત્યાચારની હદ વટાવી જતાં પીડિતાએ હિંમત એકઠી કરીને ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેણે પોલીસ સમક્ષ પોતાની કરુણ આપવીતી વર્ણવતાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.