ક્રાઈમ@રાજકોટ: આરોપીએ પરિણીતા પર દુષ્કર્મ અને તાંત્રિકે વિધિના નામે છેતરપિંડી આચરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મ, ચોરી, છેડતીના ગુનાઓ સામે આવતા હોય છે. રાજકોટમાં રહેતા નણંદ-ભોજાઈને 45 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા રોકડા તાંત્રિક વિધિથી આપવાની લાલચ દઈને ભોજાઈ પર તાંત્રિકે એક વખત દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મૂળ જયપુરના અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતા શખ્સને કોડીનાર પાસેથી ઝડપી લઈ તેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે.
રાજકોટમાં રહેતી મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, માંગરોળમાં રહેતા કુટુંબીજનના માધ્યમથી એક તાંત્રિકનો પરિચય થયો હતો. કુટુંબીજને એવી વાત કરી હતી કે, આ તાંત્રિક ઘરમાં જમીનની નીચે રહેલી કિંમતી ચીજવસ્તુઓ અને ઝવેરાત હોય તો તે કાઢી આપે છે. દરમિયાન મે મહિનામાં આ તાંત્રિક રાજકોટ આવ્યા ત્યારે ફરિયાદી મહિલાના સાસુને આ વાતની જાણ થઈ હતી અને તાંત્રિકને મહિલા પોતાના ઘરે લઈ આવ્યા હતા. ઘરમાં આંટો માર્યા બાદ એક જગ્યા પર રૂમમાં ઊભા રહીને ‘ઈસકે અંદર સે 45 કિલો સોના નીકલેગા’ની વાત કરી હતી અને મહિલાને લીંબુ લઈ આવવાનું કહી થોડી વિધિ કરી હતી. આ સમયે મહિલાના નણંદ પણ ત્યાં હાજર હતા. તેઓને પણ ‘હું તમને 15 કરોડ રૂપિયા બનાવી દઈશ’ કહીને તેમની પાસેથી રૂ.70,000 ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી મહિલાને સોનું કાઢી આપવાની લાલચ આપી 36 હજાર રૂપિયા રોકડા લઈ લીધા બાદ તાંત્રિક ચાલ્યો ગયો હતો.
બે દિવસ બાદ તાંત્રિક ફરી મહિલાના ઘરે આવ્યો હતો અને મહિલાના પતિ-સાસુ અને નણંદને રૂમની બહાર રાખ્યા હતા અને મહિલાને અંદર લઈ જઈ નિર્વસ્ત્ર કરી શારીરિક છેડછાડ કરી હતી અને એવું કહ્યું હતું કે, ‘અભી શક્તિ નહીં મિલ રહી હે’ કહી જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરી તાંત્રિક મહિલાને ઘરે આવ્યો હતો અને લગભગ છ વખત આ સિલસિલો ચાલુ રહ્યો હતો.
તાંત્રિક ફરી મહિલાના ઘરે આવી ખુલ્લા મોટા રૂમમાં લઈ ગયો હતો. જ્યાં રૂમમાં એક ખાડો ખોદાવ્યો હતો અને થોડી વિધિ કરી કહ્યું હતું કે, આમાંથી સોનું ભરેલ હાંડો નીકળશે જે આવતીકાલે શુદ્ધ થઈ જાય પછી આપણે કાઢી લઈશું. આટલું કહ્યા બાદ મહિલાના પતિને રૂમમાંથી બહાર કાઢી મહિલા સાથે સૌ પ્રથમ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ દુષ્કર્મ આચરી કાલે સોનાનો ઘડો કાઢી દઈશ કહીને જતો રહ્યો હતો.
5 જૂનના રોજ તાંત્રિકનો મહિલાના પતિને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રૂમમાં જે ખાડો ખોદ્યો છે તે બૂરી દો. હું સાંજે સાડા સાત વાગ્યે ઘરે આવીશ તેવું કહ્યું હતું. જોકે મોડીરાત સુધી તાંત્રિક ન આવતા તેમના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરતાં સ્વિચઓફ આવતો હતો. બાદમાં આજદિન સુધી તાંત્રિકનો કોઈ અત્તોપત્તો ન લાગતા મહિલાએ તેના પતિને પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરતા તે પણ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. ભક્તિનગર પોલીસે મોબાઈલ નંબરના આધારે તાંત્રિકની શોધખોળ શરૂ કરતાં તે કોડીનાર પંથકમાં હોવાની જાણ થતાં ત્યાં દોડી જઈને રાજસ્થાનના જયપુરના રહેવાસી અને ત્યાં કાપડનો ધંધો કરતા ભૂષણપ્રસાદ રાજદેવપ્રસાદ સૈની (ઉ.વ.57)ની અટકાયત કરી હતી અને તેની સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.