ક્રાઈમ@સરખેજ: પોલીસે ભ્રૂણને ત્યજનાર માતા અને તેની મદદગાર મહિલાની ધરપકડ
રિક્ષા પરના લખાણ પરથી પોલીસે ઝડપી લીધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એકસ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે મહિલા ગર્ભવતી થઈ અને બાળકનો જન્મ છુપાવવા માટે મહારાષ્ટ્રથી અમદાવાદ આવીને ગર્ભપાત કરાવી બાળભ્રૂણનો નિકાલ કરયો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કુલ 50થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.જેમાં એક શંકાસ્પદ રિક્ષા અને મહિલાઓ દેખાઇ હતી. તે રિક્ષાનો નંબર તો દેખાતો નહતો પણ તે રિક્ષા પર 'ઓફર યોર પ્રાઇઝ' લખાણ દેખાતા પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.
સરખેજ પોલીસ સ્ટેશનમાં ભૃણ ત્યજી દેવા મામલે ગત તા.27 ઓગસ્ટના રોજ ગુનો દાખલ થયો હતો. જેમાં એક અજાણી સ્ત્રી દ્વારા તેને બાળકનો જન્મ છુપાવવા માટે સરખેજ ધોળકા સર્કલ પાસે માનવ ભ્રૂણને ત્યજી દેતા તપાસ હાથ ધરવામાં આવી હતી. સરખેજ પોલીસે આશરે 50થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગુનામાં ભ્રૂણને ત્યજી દેનાર મહિલા સાથે બીજી બે મહિલાઓ અને એક રિક્ષા દેખાઇ હતી જે રીક્ષા પાછળ 'ઓફર યોર પ્રાઇઝ' લખેલું પોલીસના ધ્યાને આવ્યું હતું. જોકે તે રીક્ષાનો તેનો નંબર સ્પષ્ટ વંચાતો ન હોવાથી પોલીસે સરખેજ ધોળકા સર્કલથી એલિસબ્રિજ સુધીના સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કરતા ત્રણ મહિલા વી.એસ હોસ્પિટલ ખાતેથી બનાવવાળી જગ્યાએ આવી હોવાની હકીકત સામે આવી હતી.
વી.એસ હોસ્પિટલ ખાતેના સીસીટીવી તપાસતા મહિલા સાથે બે શખ્સો બાઇક લઈને આવ્યા હોવાથી તેના આધારે પોલીસ મહિલા સુધી પહોંચી હતી. જેના આધારે જન્મ આપનાર સ્ત્રીને મદદ કરનાર સોનલબેન ઉનેચા મળી હતી અને જેને માનવ ભ્રૂણને જન્મ આપનાર સ્ત્રી બાબતે પૂછપરછ કરતા તે સ્ત્રીનું નામ વર્ષા કરાડે અને ગુનામાં સામેલ ત્રીજી સ્ત્રી તેની દેરાણી દુર્ગા ઉર્ફે મંજુબેન ઉનેચા સામે આવ્યું હતું. પોલીસે નણંદના ઘરેથી ભ્રૂણને જન્મ આપનાર વર્ષા કરાડેની ધરપકડ કરી સોનલ ઉનેચાની ધરપકડ કરી હતી. દુર્ગા ઉર્ફે મંજુબેન ઉનેચાની શોધખોળ શરૂ કરાઇ છે.
સરખેજના પીઆઇ વી.જે. ચાવડાએ જણાવ્યુ કે મહિલા મહારાષ્ટ્રમાં પિતા સાથે રહેતી હતી અને પતિ સિવાય પણ અન્ય વ્યક્તિ સાથે સંબંધો હોવાથી તે ગર્ભવતી થઈ હતી અને તેનો પતિ તેને છોડીને જતો રહ્યો હતો. તે રક્ષાબંધનનું બહાનું કરીને અમદાવાદમાં ગર્ભપાત કરાવી વિરમગામ જતી રહી હતી.