ક્રાઈમ@સુરતઃ 3 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું, માતાએ નરાધમને રંગેહાથ ઝડપ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીયે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે તેની પાછળ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમયસર માતા પહોંચતાં નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને મેથીપાક આપ્યો હતો. સારોલી પોલીસે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, સારોલી વિસ્તારમાં નેચરવેલી હોમ્સ પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર રહે છે. બપોરે પરિવાર નીચે ખાતામાં કામમાં વ્યસ્ત હતો. આ દરમિયાન 3 વર્ષની બાળકી ઉપરના રૂમમાં એકલી હતી. માતા પતિને બોલાવવા નીચે ગઈ હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા નરાધમે તકનો લાભ લીધો હતો.
બાળકી બાથરૂમ કરવા ગઈ ત્યારે બિહારના વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદીન તક જોઈ અગાસી પર ચઢી ગયો હતો. નરાધમ બાળકીની પાછળ બાથરૂમમાં ઘુસી ગયો અને તેના કપડાં કાઢી ગુપ્ત ભાગો સાથે અડપલાં કર્યા હતા. બાળકી સમજે તે પહેલાં જ તેણે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકીની માતા તુરંત ઉપર આવી પહોંચતા બાથરૂમમાં દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાની બુમાબુમથી લોકો દોડી આવ્યા અને મોજબ્બીરને રંગેહાથ પકડી પાડ્યો હતો. લોકોએ તેને મેથીપાક ચખાડી સારોલી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરપ્રાંતીય કામદારો દ્વારા બાળકીઓને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી ઘટના બની હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ અને ભય ફેલાયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

