ક્રાઇમ@સુરતઃ ઈન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષની બાળકીને યુવકે ફસાવી અને દુષ્કર્મ આચર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતમાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય બાળકીનો ઈન્સ્ટાગ્રામ પર તેનીથી 14 વર્ષ મોટી ઉંમરના યુવક સાથે સંપર્ક થયો હતો. યુવકે બાળકીને ફોસલાવી ભગાવી જતા પરિવારજનોમાં દોડધામ મચી હતી. આરોપી બાળકીને સુરતથી અજમેર લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે આરોપી સામે પોક્સો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકી મોબાઈલ અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક નામના 26 વર્ષીય યુવક સાથે મિત્રતા થઈ હતી.આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી હતી. 14 જૂને આરોપી સગીરાને ફોસલાવીને અજમેર ભગાડી ગયો હતો. બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો.
અરમાન જ્યારે સગીરાને અજમેર ભગાડી ગયો હતો ત્યારે ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અરમાન ઉર્ફે અમ્મુ સામે પોક્સો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
સુરતમાં બનેલો આ કિસ્સો એ વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે, જેઓ પોતાના બાળકોને મોબાઈલ વાપરવા આપી રહ્યા છે અને તેના પર દેખરેખ નથી રાખતા. માત્ર 12 વર્ષની માસુમ બાળકી જ્યારે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર અજાણ્યા 26 વર્ષના મજૂર વર્ગના પુરુષના સંપર્કમાં આવે છે, ત્યારે વાલીઓની દેખરેખ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થાય છે. આજકાલ બાળકોના હાથમાં સ્માર્ટફોન ખૂબ જ નાની ઉંમરે આવી જાય છે, પરંતુ તેઓ કોની સાથે વાત કરે છે, કઈ એપ્લિકેશન વાપરે છે તેની દેખરેખ રાખવી અનિવાર્ય બની ગઈ છે.

