ક્રાઇમ@સુરતઃ કાળ બનીને આવ્યા 4 શખ્સો: આખા પરિવારને નહેરમાં ફેંકી દીધો, 3નાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક માનવતાને શરમાવે તેવી હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ શ્રમજીવી પરિવારની કાર આંતરી આખા પરિવારને ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધો હતો.
આ ઘટનામાં માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહ મહુવા નજીકની નહેરમાંથી મળી આવ્યા છે. જ્યારે 13 વર્ષના કિશોરે નહેરમાં રહેલી પાઇપ પકડી લેતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો. બીજી તરફ પરિવારના બે બાળક હજુ લાપતા હોવાથી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા નહેરમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
*શું બન્યું હતું?*
મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ ખાતે ફેક્ટરીમાં મજૂરીકામ કરતો પરિવાર ગત 21મી તારીખે સુરત ખાતે મજૂરીકામ માટે કારમાં નીકળ્યો હતો. પરિવાર બારડોલીના ઉવા-સેજવાળ નહેર નજીક પહોંચ્યો ત્યારે અન્ય એક અજાણી કારમાં આવેલા 4 શખ્સોએ તેમની કારને આંતરીને રોકી હતી.
આ શખ્સોએ પરિવારના તમામ સભ્યોને કારમાંથી નીચે ઉતારી નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હતા. નહેરમાં ફેંકાયેલા સભ્યોમાંથી 13 વર્ષીય કિશોરના હાથમાં નહેરમાં રહેલી એક પાઇપ આવી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. જીવ બચાવી નહેરની બહાર નીકળેલા કિશોરે નજીકની એક હોટેલ પાસે પહોંચીને સમગ્ર આપવીતી જણાવી હતી અને પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
*3 મૃતદેહ મળ્યા*
ઘટનાની જાણ થતાં જ પોલીસે નહેરમાં શોધખોળ શરૂ કરી હતી. મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરના પાણીમાંથી એક પુરુષ, એક મહિલા અને એક યુવતી એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં પિતા નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ, કવિતા પાટીલ અને અન્ય એક યુવતીનો સમાવેશ થાય છે.
*બે બાળકની શોધખોળ ચાલુ*
બીજી તરફ આ કમનસીબ પરિવારના હજુ પણ બે નિર્દોષ બાળકો નહેરના ઊંડા પાણીમાં લાપતા હોવાથી તેમને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા નહેરમાં સતત શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

