ક્રાઈમ@સુરત: ભાજપ કોર્પોરેટર અને બિલ્ડરના પુત્ર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું , જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપ કોર્પોરેટર અને બિલ્ડરના પુત્ર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ પર લેબર કોન્ટ્રાકટર જોડે કામ પૂરું કરવા બાબતે થયેલ માથાકૂટમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જે ઘટનામાં મિસ ફાયરીંગ થવાના કારણે લેબર કોન્ટ્રાકટરનો આબાદ બચાવ થયો છે. ઘટનાના પગલે પાલ પોલીસે લેબર કોન્ટ્રકટરની ફરિયાદના આધારે ભાજપ કોર્પોરેટરના બિલ્ડર પુત્ર વિરુદ્ધ આઇપીસીની કલમ 307, આર્મ્સ એકટ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જે ઘટનાની વધુ તપાસ એસ.સી. એસ.ટી.સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતના પાલ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પાલ પોલીસ મથકની હદમાં આવેલા ભેસાણ રોડ પર ઈશ્વર કૃપા સોસાયટીની બાંધકામની સાઇટ ચાલી રહી છે. જે બાંધકામ સાઇટ વોર્ડ નંબર-1ના ભાજપના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયાના પુત્ર દિવ્યેશની છે. અહીં આવેલી બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટ હેઠળ મૂળ દાહોદ જિલ્લાના વતની અલ્પેશભાઈ ભાંભોર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે.
જેના હાથના નીચે અન્ય મજૂરો કામગીરી કરે છે. અહીં લેબર કોન્ટ્રાક્ટર અને ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ વચ્ચે કામ પૂર્ણ કરવા બાબતે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી. બાંધકામની સાઈટ પર કામ પૂર્ણ થઈ ગયું હોવાના કારણે લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરે પોતાના મજૂરોને અન્ય બાંધકામની સાઈટ પર મોકલી આપ્યા હતા. જોકે કોર્પોરેટરના પુત્ર દિવ્યેશે બાંધકામ સાઈટ ઉપર હજી કામગીરી બાકી હોવાથી મજૂરોને પરત બોલાવવા માટે કહેતા બોલાચાલી થઈ હતી. લેબર કોન્ટ્રાક્ટર દ્વારા આ બાબતે મૂળ કોન્ટ્રાક્ટરને વાત કરવા જણાવ્યું હતું.