ક્રાઈમ@સુરત: રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

માતા-પિતાએ ચેતવા જેવા કિસ્સામાં સુરતમાં સામે આવ્યો
 
ક્રાઈમ@સુરત: રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના ગુનાઓ સામે આવતા હોય છે. નાની બાળકીઓને સ્કૂલે મોકલતાં માતા-પિતાએ ચેતવા જેવા કિસ્સામાં સુરતમાં સામે આવ્યો છે, જેમાં ખટોદરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકવા-લેવા જતો રિક્ષાચાલક તેની સાથે રોજ અડપલાં કરતો હતો. ગતરોજ તો તેણે બાળકીને ઝાડીઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. બાળકીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ સંતાનના પિતા એવા નરાધમ રિક્ષાચાલક મુત્તલીબ શેખની ધરપકડ કરી છે. બાળકીએ ઘરે આવીને જ્યારે પોતાનાં માતા-પિતાને કહ્યું કે 'ચાચા બહોત ગંદે હૈ, મેરે સાથે ગંદા કામ કરતા હૈ' ત્યારે માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ખટોદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુત્તલીબ શેખની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભટાર આઝાદનગરમાં રહેતો રિક્ષાચાલક મુત્તલીબ શેખ રોજ ખટોદરા વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને ઘરેથી સ્કૂલે મૂકવા અને લેવા માટે જતો હતો. દરમિયાન છેલ્લા દોઢેક માસથી રિક્ષાચાલક મુત્તલીબે આ બાળકીનું શોષણ શરૂ કર્યું હતું. બાળકીના શરીર પર હાથ ફેરવીને આ હવસી રિક્ષાચાલક પોતાની વાસના સંતોષતો હતો. એમાં પણ ગઈકાલે સ્કૂલેથી નીકળ્યા બાદ મુત્તલીબ બાળકીને ઘરે લઈ જવાને બદલે ઝાંડીઝાંખરામાં લઈ ગયો હતો અને તેની પર હવસ સંતોષી હતી.


બાળકી જ્યારે ઘરે આવી ત્યારે તેના હાથમાંથી લોહી નીકળતું જોતાં માતા-પિતાએ પૂછપરછ કરી અને ત્યારે ખબર પડી કે નરાધમ રિક્ષાચાલક મુત્તલીબે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ ચાર વર્ષની બાળકીના હાથ પણ કરડી ખાધા હતા. જ્યારે બાળકીએ કહ્યું કે ‘ચાચા મેરે સાથે ગંદા કામ કરતે હૈ, અબ મેં રિક્ષા મેં નહીં જાઉગી' ત્યારે ચોંકી ઊઠેલાં માતા-પિતા ખટોદરા પોલીસ મથકે દોડી ગયાં હતાં અને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે પણ તાત્કાલિક રિક્ષાચાલકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મુત્તલીબની પત્ની પણ બોલાવી તેના કૃત્યની જાણ કરી હતી. પોલીસે મુત્તલીબને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


નરાધમ રિક્ષાચાલક મુત્તલીબ છેલ્લા એક માસથી બાળકીને સ્કૂલેથી છૂટ્યા બાદ એંકાતમાં ઝાડી-ઝાંખરાવાળી જગ્યા પર લઈ જઈ અડલપાં અને ગંદી હરકતો કરતો હતો. નર્સરીમાં જતી વખતે આ બાળકી વીસેક મિનિટ જેટલી એકલી પડતી હતી. આ વખતે રિક્ષાચાલક મુત્તલીબ તેની સાથે અડપલાં કરતો હતો. નરાધમ મુત્તલીબ આધેડ વયનો છે અને તે પણ એક દીકરી અને બે દીકરાનો પિતા છે. ત્રણ-ત્રણ સંતાનો ધરાવતો હોવા છતાં પણ મુત્તલીબ વાસનામાં અંધ બન્યો હતો.


મુત્તલીબની રિક્ષામાં આશરે 40 જેટલાં નાનાં ભૂલકાં સ્કૂલમાં અપડાઉન કરતાં હતાં. એમાં પણ 10 તો બાળકી જ હતી. ખુદ મુત્તલીબ પણ એક બાળકી અને બે બાળકનો પિતા છે, પરંતુ તેમ છતાં પણ આ નરાધમે હીનકૃત્ય કર્યું હતું. આ હવસખોર રિક્ષાચાલક સાથે સંખ્યાબંધ બાળકો અપડાઉન કરતાં હતાં. એમાં તમામ બાળકો ખૂબ ઓછી ઉંમરનાં છે, તેથી અન્ય બાળકો સાથે પણ મુત્તલીબે અડપલાં કર્યાં હોવાની પોલીસને શંકા છે. પોલીસે મુત્તલીબની રિક્ષામાં અપડાઉન કરતાં તમામ બાળકોના વાલીઓને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે. આ સાથે ખટોદરા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુત્તલીબ શેખની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.