ક્રાઈમ@વડોદરા: 5 વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ બાદ હત્યા, જાણો સમગ્ર ઘટના વિશે

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર મર્ડરની ઘટના સામે આવી છે.વડોદરા જિલ્લાના શિનોરના સતીષાણા ગામના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ત્રણ દિવસ પછી બુધવારે(17 જૂન) બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતાં અપહરણ બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.

સતીષાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી 14 જૂનની રાત્રે ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂતી હતી. રાત્રિના સમય અને વહેલી સવાર દરમિયાન અજાણ્યા વ્યક્તિએ છળકપટ અથવા લોભ આપીને બાળકીનું અપહરણ કરી લીધું હતું. ત્રણ દિવસની તપાસ બાદ બુધવારે બપોરે વણીયાદ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાલ ચાલુ છે.

બાળકીની શોધખોળ માટે સ્થાનિક પોલીસ સાથે LCB, અન્ય ટીમોને સક્રિય કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી. શિનોર અને જિલ્લા પોલીસ ટીમે અપહરણ અને હત્યાના આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડીયા (ઉંમર 26 વર્ષ) ને ઝડપી લીધો હતો. આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકી સાથે કોઈ છેડછાડ થઈ હતી કે કેમ અને હત્યાનું કારણ શું હતું તેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે.