ક્રાઈમ@વડોદરા: પિતાએ દીકરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું

માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાંથી ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક કળિયુગી પિતાએ પોતાની જ 13 વર્ષ અને 2 મહિનાની સગીર વયની દીકરી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિતાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

પીડિતાની માતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 28 જૂનના રોજ સાંજના સમયે કપડાં લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ન વધે તે માટે પત્ની ઘરની નજીક જ સીમમાં આવેલા તેમના એક મહિલા સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. તે સમયે ઘરમાં તેમની 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો નાનો દીકરો હાજર હતા.

રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ જ્યારે માતા પોતાની બહેન સાથે ઘરે પરત ફરી, ત્યારે ઘરનો દરવાજો ન હોવાથી આડો રાખેલો ખાટલો અને પડદો હટાવીને અંદર જોતાં જ તેમના હોશ ઊડી ગયા હતા. રૂમમાં પિતા પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો અને દીકરીના મોઢામાં કાપડનો ડૂચો આપેલો હતો, જેથી તે બૂમ ન પાડી શકે. પત્ની અને બહેનને જોઈ જતાં જ આરોપી પિતા ત્યાંથી પેન્ટ સરખું કરતો ભાગી છૂટ્યો હતો.

આ ભયાનક દ્રશ્ય જોયા બાદ માતાએ તાત્કાલિક દીકરીના મોઢામાંથી કાપડનો ડૂચો કાઢીને તેને કપડાં પહેરાવ્યા હતા અને દીકરીને શાંત પાડી હતી. બાદમાં પીડિતાએ રડતાં-રડતાં પોતાની માતાને જણાવ્યું કે, તેનો નાનો ભાઈ સુઈ ગયા પછી પિતાએ તેને પકડીને જબરજસ્તીથી જમીન પર સુવડાવી દીધી હતી અને મોઢામાં કપડું નાખી, હાથ પકડી રાખીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ નરાધમ કૃત્ય અંગે પીડિતાની માતાએ પોતાની બહેન અને બનેવીને સાથે રાખી ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ અરવિંદસિંહ સામતસિંહ સોલંકી વિરુદ્ધ સગીર દીકરી પર દુષ્કર્મ આચરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ડેસર પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે પીડિત સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવા અને ફરાર આરોપી પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.