ગુનો@ગુજરાત: PGVCLએ 180 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડી, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લામાં વીજચોરી અને વીજ વપરાશમાં થતી ગેરરીતિ રોકવા જૂનાગઢ PGVCL વર્તુળ કચેરીએ મેગા ચેકિંગ ડ્રાઈવ ચલાવી. બે દિવસ ચાલેલી આ તપાસમાં જિલ્લાના કુલ 180 વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી. PGVCLએ આ ગેરરીતિ બદલ કુલ રૂ.93.95 લાખનો દંડ ફટકાર્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે થયેલી આ કાર્યવાહીથી વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
PGVCL વર્તુળ કચેરીએ પહેલા દિવસે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ GIDC, વેરાવળ શહેર, સુત્રાપાડા અને તાલાળા વિસ્તારમાં તપાસ કરી. આ માટે કુલ 44 ટીમો કામે લગાડવામાં આવી હતી. આ ટીમોએ કુલ 498 વીજ કનેક્શન તપાસ્યા.
આ તપાસમાં 100 કનેક્શનમાં વીજચોરી કે વીજ વપરાશમાં ગેરરીતિ મળી આવી. આ કનેક્શનધારકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરીને કુલ રૂ.54.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
પહેલા દિવસ પછી બીજા દિવસે પણ PGVCLની ટીમોએ ગીર સોમનાથ જિલ્લામાં સઘન તપાસ ચાલુ રાખી. પોલીસ બંદોબસ્ત સાથે પ્રાચી, તાલાળા અને પ્રભાસ પાટણ જેવા વિસ્તારોમાં ચેકિંગ કરાયું. બીજા દિવસે કુલ 41 ટીમોએ 595 વીજ જોડાણો તપાસ્યા. આ દરમિયાન વધુ 80 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી.
આમ, બે દિવસની આ મેગા ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કુલ 85 ટીમોએ 1093 વીજ કનેક્શન તપાસ્યા. જેમાં ખેતીવાડી, રહેણાંક અને કોમર્શિયલ સહિતના વીજ જોડાણોમાં ગેરરીતિ મળી. આથી નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી. બે દિવસમાં PGVCL દ્વારા કુલ રૂ.93.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વીજચોરીના કારણે વીજ વિતરણને નુકસાન થાય છે અને નિયમિત બિલ ભરતા ગ્રાહકો પર પણ તેની અસર પડે છે. PGVCL દ્વારા વીજચોરી સામે સઘન કાર્યવાહી શરૂ કરાતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આગળ પણ શંકાસ્પદ વીજ કનેક્શન અને વીજચોરીની શક્યતાવાળા વિસ્તારોમાં તપાસ વધુ સઘન બનાવાશે.

