ગુનો@મોરબી: 17.24 લાખના સોના-ચાંદીના દાગીના અને ભંગારની ચોરી કરી તસ્કરો ફરાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. મોરબીના સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. તેઓ સોના-ચાંદીના દાગીના અને ચાંદીનો ભંગાર મળી કુલ 17.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા છે.
આ અંગે સોની વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.
મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે સરદાર રોડ પર ખારા કુવા વાળી શેરીમાં રહેતા દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સોએ તેમની રાધા કૃષ્ણ જ્વેલર્સ દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું હતું.
ત્યારબાદ દુકાનમાં ઘૂસીને 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના અને 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર ચોરી લીધો હતો. કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

