નિર્ણય@ગુજરાત: દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી સાંજે 7:00 વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડતા હોય છે. ફટાકડા ફોડવાથી કેટલીક ના બનવાની ઘટનાઓ બનતી હોય છે. આગની સંભવિત અકસ્માતો અને મુસાફરો તથા મેટ્રો રેલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને 20 ઓક્ટોબરના રોજ મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20થી સાંજે 7:00 વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અન્ય મેટ્રો કોર્પોરેશનની જેમ જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ દિવસે દરેક ટર્મિનલ સ્ટેશન – જેમ કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ, થલતેજ ગામ, સચિવાલય અને ગિફ્ટ સિટીથી છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય બદલાયો છે, જેની વિગતો મુસાફરો માટે જાહેર કરવામાં આવી છે.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીની છેલ્લી ટ્રેન સાંજે 7:05 વાગ્યે ઉપડશે, જ્યારે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા સુધીની છેલ્લી ટ્રેન સાંજે 7:10 વાગ્યે રવાના થશે. આ ઉપરાંત, APMCથી સચિવાલય અને સચિવાલયથી APMC સુધીની છેલ્લી ટ્રેન સાંજે 6:24 વાગ્યે, અને ગિફ્ટ સિટીથી APMC સુધીની છેલ્લી ટ્રેન સાંજે 6:18 વાગ્યે ઉપડશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોને આ નવા સમયપત્રકને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવા અપીલ કરી છે, જેથી કોઈ અસુવિધા ન થાય.
ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું પ્રતીક બની ઉભર્યું છે, જે 2025માં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. શરૂઆતમાં દૈનિક 35,000 મુસાફરોની સરેરાશથી શરૂ થયેલી આ સફર આજે 1.5 લાખ મુસાફરો સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં 10.38 કરોડ નાગરિકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતાને દર્શાવે છે. 99.84% સમયસર સેવા આપીને ગુજરાત મેટ્રો રેલે મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણયથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત થશે.