નિર્ણય@ગુજરાત: રાજ્યના 4 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો

ખેડૂતોની માગના આધારે સરકારે નિર્ણય લીધો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી આપવામાં આવશે.
 
નિર્ણય@ગુજરાત: રાજ્યના 4 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ખેડૂતોની રજૂઆત પ્રમાણે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ખેડૂતોની માગના આધારે સરકારે નિર્ણય લીધો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોની વીજળી આપવામાં આવશે.મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માગ ઉઠી હતી. જ્યાંથી માગ આવશે એ વિસ્તારોમાં સરકાર વીજળી આપવાનો સમય વધારશે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં ઓગસ્ટ મહિના સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 74 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં 81 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.

આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ આશરે 23 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે. કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલિબિયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 21.80 લાખ હેક્ટર હતું. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેકટરનો વધારો થયો છે.

રાજ્યના મુખ્ય તેલિબિયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આશરે 16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે આશરે 2.5 લાખ હેક્ટરના વધારા સાથે 18.80 લાખ હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે.