ગંભીર@નર્મદા: મનરેગાના કરારીની બેનામી આવક વિરુદ્ધ સાંસદની ફરિયાદ છતાં નિયામકે નોટીસથી સંતોષ માન્યો, CRDને સમર્પિત

 નિયામક જાદવે એપીઓ શેખને નોટીસ પણ ફટકારી હતી,
 
ગંભીર@નર્મદા: મનરેગાના કરારીની બેનામી આવક વિરુદ્ધ સાંસદની ફરિયાદ છતાં નિયામકે નોટીસથી સંતોષ માન્યો, CRDને સમર્પિત

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નર્મદા જિલ્લાના મનરેગા કર્મચારી સામે નેતાજીની ગંભીર ફરિયાદ મામલે વિગતો સપાટી ઉપર આવી રહી છે. તત્કાલીન એપીઓ અને હાલમાં ગરૂડેશ્વર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરની આવક કરતાં વધુ સંપત્તિ મામલે ખુદ સાંસદ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવ્યો હતો. આજથી સરેરાશ 2 મહિના અગાઉ મળેલી દીશા બેઠકમાં ચેરમેન કમ સાંસદે મહંમદ શેખ વિરુદ્ધ ચાલુ બેઠકમાં ફરીયાદ કરી હતી. ખુદ સત્તાધીન સરકારનાં સાંસદની ફરિયાદ હોવાથી નિયામકે મામલો હાથ ઉપર લીધો પરંતુ હકીકતમાં ફાઇલે થાય તેવી પરિસ્થિતિ આવી અથવા લાવી દેવાઇ. નિયામકે માત્ર એક નોટીસથી ખુલાસો પૂછી સાંસદ મનસુખ વસાવાની ફરિયાદનો અંત લાવી દીધો. હકીકતમાં બેનામી સંપત્તિની ફરિયાદ હોય તો પારદર્શક તપાસ થાય તે માટે એસીબી, વિજિલન્સ, ગ્રામ વિકાસ કમિશ્નર કચેરી અથવા ઈડીને જાણ કરી શકતાં હતા. મામલો એટલો ગંભીર ફરિયાદનો હતો કે, મનરેગાના કરારીએ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ વસાવી અને પરિવારના કોઈ સભ્યના નામે જમીન ખરીદી છે. જાણીએ સમગ્ર અહેવાલ.


નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં ફરજ બજાવતાં મનરેગાના એપીઓ મહંમદ શેખ સામે અગાઉની દીશા મિટીંગ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ મૌખિક ફરિયાદ રજૂ કરી હતી. આ ફરિયાદ આધારે નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાદવે એપીઓ શેખને નોટીસ પણ ફટકારી હતી, જોકે નોટીસના જવાબ બાદ મામલો ફાઇલે થયો અને બેનામી સંપત્તિની ફરિયાદનું પરિણામ મેળવી શક્યા નહિ. આ બાબતે વારંવાર નિયામક જાદવનો સંપર્ક કરતાં વ્યસ્ત હોવાનું જણાવી વાત કરવાની ટાળી હતી. જ્યારે એપીઓ શેખે જણાવ્યું હતું કે, સાંસદને ગમે તે ફરીયાદ કરી દે, હું પણ કોઈના વિરુદ્ધ કરી દઉં તો પણ સાંસદ મારી રજૂઆત આધારે અધિકારીને ફરિયાદ કર, હું આ ફરિયાદ પછી સાંસદને મળવા ગયો અને સાંસદે મને વિશ્વાસ આપ્યો હતો. હવે સવાલ એ થાય છે કે, શું સાંસદ મનસુખ વસાવાએ ખોટી ફરિયાદ કરી હતી? ફરિયાદ સાચી કે ખોટી એ ત્યારે જ સ્પષ્ટ થાય જ્યારે તેની તપાસ જોગવાઈ મુજબ સંબંધિત કચેરી, વડી કચેરી કરે અથવા કરાવે. જોકે નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સ્વયં મનરેગાના કરારીને પૂછી લીધું કે, આવું કંઈ છે? જવાબ આવ્યો કે, એવું કંઈ નથી. આવી રીતે તપાસ પૂરી?


સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંસદ મનસુખ વસાવા ભાજપના ભરૂચ લોકસભા મતવિસ્તારના જાંબાઝ અને આખા બોલા નેતા છે. કોઈપણ જગ્યાએ સરકારના હિત વિરૂધ્ધ થતું હોય તો અવાજ ઉઠાવે છે અને સતત જાગૃત રહે છે ત્યારે શું મનરેગાના કરારી સામેની ફરિયાદ ખોટી હોઈ શકે? શું આ ફરિયાદમાં કોઈ તથ્ય નહિ હોય? જેના વિરુદ્ધ આક્ષેપ હોય તેને પૂછો તો શું તે કર્મચારી આક્ષેપને સાચા ગણાવે? શું બેનામી સંપત્તિની ફરિયાદમાં તપાસની જોગવાઈ છે અથવા શું આવી રીતે તપાસની વ્યવસ્થા હોય તો કોઈ પોતાની પાસે આવક કરતાં વધુ સંપત્તિનો સ્વયં ખુલાસો કરે? આ તમામ બાબતો સાંસદની ફરિયાદ બાદ નિયામક જાદવે કરેલી પ્રક્રિયા બાદ ગંભીર સવાલો ઉભા થયા છે.