ક્રાઈમ@વાપી: વારંવાર વિનંતી કરવા છતાં બાપ બન્યો શેતાન,દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

12 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેનું શારીરિક શોષણ કરતા
 
ક્રાઈમ@વાપી: વારંવાર વિનંતી કરવા છતાં બાપ બન્યો શેતાન,દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાપી ટાઉનમાં રહેતા અને દમણમાં પોતાની ફેક્ટરી ધરાવતા સગા પિતાએ પોતાની દીકરીનું છેલ્લા 7 વર્ષથી શારીરિક શોષણ કર્યું હોવાના આરોપ સાથેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી છે.આ ઘટનામાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા હતા.

વાપી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 19 વર્ષીય યુવતીએ વાપી ટાઉન પોલીસ મથકે રવિવારે સગા પિતા દ્વારા થયેલી કરતૂત અંગે આપવિતી સંભળાવી ત્યારે પોલીસ પણ ચોંકી ઊઠી હતી. યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતુ કે, તે 12 વર્ષની હતી ત્યારથી તેના પિતા તેનું શારીરિક શોષણ કરતા આવ્યા છે. ઘરમાં માતા બહાર ગયા હોય અને ભાઈ ટયૂશન ગયો હોય ત્યારે એકલતાનો લાભ લઈ પિતા વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. તે સમજણી થયા પછી તેણે પિતાને આ પ્રકારનું કૃત્ય ન કરવા સતત સમજાવ્યું હતુ. પરંતુ નરાધમ પિતા સતત દુષ્કર્મ કરતા રહ્યા હતા. આખરે કંટાળીને તેણે પોલીસનું શરણું લીધું હોવાની વાત કરી હતી. યુવતીની ફરિયાદને પગલે પોલીસે તરત જ હરકતમાં આવીને આરોપી પિતાની સામે પોક્સો તથા દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે સોમવારે તેને વાપીની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા જજે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.