અપડેટ@છોટાઉદેપુર: હોસ્પિટલો હોવા છતાં ડોકટરોના અભાવે દર્દીઓ હાલાકી ભોગવી
લોકો આજે પણ આરોગ્ય લક્ષી સેવાના અભાવે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કદવાલ ગામે લોકોને આરોગ્યની સેવા મળી રહી રહે તે માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરી હોસ્પિટલ તો બનાવી પરંતુ સ્પેશિયાલિસ્ટ ડોકટરોના અભાવે હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની છે.
અંતરિયાળ અને છેવાડાના વિસ્તારો સુધી લોકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે ચિંતિત હોવાના દાવા તો સરકાર કરે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો આજે પણ આરોગ્ય લક્ષી સેવાના અભાવે જીવી રહ્યા છે. આજે પણ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હોસ્પિટલો હોવા છતાં ડોકટરોના અભાવે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.
આવોજ એક વિસ્તાર પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામનો છે. કદવાલ અને આસપાસના 42 ગામો છે, જેની વસ્તી લગભગ 50 હજારથી પણ વધુની છે. આ વિસ્તાર મોટે ભાગે ડુંગર અને જંગલ વિસ્તારમાં આવેલા છે. આ વિસ્તારના ગરીબ આદિવાસી લોકોની ચિંતા કરી કદવાલ ગામે કરોડોનો ખર્ચ કરી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ બનાવી બેડ, લેબોરેટરી, રૂમ, ઇમરજન્સી સેવા માટેની તમામ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ સોનોગ્રાફી અને એક્ષરે મશીનનો અભાવ જોવાઇ રહ્યો છે.
જો કે આ તમામ સુવિધા હોઈ તો પણ સ્પેશિયાલિસ્ટ ડોકટરો વિના અધૂરી છે. ખાસ કરીને પ્રસૂતા મહિલાને હોસ્પિટલે લઈને આવતા તેમના સગાને ડોકટર નથી એમ કહેતા તેમને બોડેલી કે અન્ય જિલ્લાના હોસ્પિટલમાં લઇ જવા પડતા હોવાથી કેટલીક વાર મહિલાને જીવનું જોખમ પણ ઊભું થાય છે.