ધાર્મિક@ગુજરાત: પહેલા નોરતે પાવાગઢ અને મા અંબાના મંદિર અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ ઊમટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી નવરાત્રિની શરૂવાત થઇ ગઈ છે. આ તહેવાર 9 દિવસ ઉજવવામાં આવે છે. આજથી શક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે નવરાત્રિના પહેલા નોરતે જ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર પાવાગઢ અને મા અંબાના મંદિર અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. પાવાગઢ ખાતે આજે વહેલી સવારે 4:00 વાગ્યે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ અંબાજી મંદિરે સવારે 7:30 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે આજે પહેલાં નોરતે માતાજીના આશીર્વાદ લેવા આવેલા શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર પરોઢે 4:00 વાગ્યે ખોલી દેવામાં આવ્યા હતા. સવારના મંગળા દર્શનનો લહાવો લેવા રાત્રે પહોંચેલા માઇભક્તોએ માતાજીના જયકારા સાથે મંદિરમાં પ્રવેશતા જ મંદિર ગુંજી ઊઠ્યું હતું.
શક્તિનું મહાપર્વ નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે. આસો સુદ એકમના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની મંગળા આરતી સવારે 7:30 કલાકે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો આ મંગળા આરતીમાં જોડાયા હતા. વહેલી સવારથી મા અંબાનું મંદિર માઇભક્તોથી ઉભરાયું હતું. લાંબી લાંબી લાઈનો અને રેલિંગોમાં ભક્તો ઊભા જોવા મળ્યા હતા. મા જગતજનની અંબાનું ચાચર ચોક પણ માઇભક્તોથી ઉભરાયું હતું.
શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિના આજે પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે શ્રદ્ધાળુઓની સામાન્ય ભીડ વહેલી સવારે જોવા મળી, પગપાળા ચાલીને આવેલા દર્શનર્થીઓ મધ્યરાત્રીએ જ તળેટીમાંથી માચી તરફ અને ત્યાંથી રેવા પથના માર્ગે મંદિર તરફ ચાલીને પહોંચ્યા હતા. વહેલી સવારે નિજ મંદિર ખૂલતા જ શક્તિદ્વાર સુધી લાઈનમાં લાગેલા માઈભક્તોએ માતાજીનો જયકારો કરતા પરોઢની નીરવ શાંતિમાં મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે તમામ તૈયારીઓ કરી હોવાની વાતો વચ્ચે પહેલા જ નોરતે તળેટીમાંથી માચી સુધી ચાલીને જતા પદયાત્રીઓને લાઇટિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા કલેક્ટરે સતત સૂચનાઓ આપી હોવા છતાં અને હાલોલ પ્રાંત અધિકારીના સતત મોનિટરિંગ પછી પણ પગપાળા ચાલીને આવેલા માઇભક્તોએ કેટલીક જગ્યાએ અંધારામાં ચાલીને માચી સુધી જવું પડ્યું હતું.
આજે પહેલા નોરતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ નિજ મંદિરના દ્વાર કલાક વહેલા એટલે કે 4:00 વાગ્યે ખોલી દીધા હતા. તો રોપવે ઉડન ખાટોલાની સુવિધા પણ વહેલી સવારે જ શરૂ કરી દેવામાં આવતા અનેક યાત્રિકો રોપવેમાં ડુંગર ઉપર પહોંચ્યા હતા. તો એસટી નિગમ દ્વારા પણ વહેલી સવારથી પાવાગઢ ડેપોથી માચી સુધીના બસોના રૂટ શરૂ કરી દેવામાં આવતા યાત્રિકોને માચી સુધી પહોંચવામાં સરળતા રહી હતી.
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે મા જગદંબાના આ ધામમાં મોટી સંખ્યામાં માઇભક્તોનો જમાવડો વર્ષ દરમિયાન રહેતો હોય છે. મા અંબાની આરાધના અને માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા અંબાના ધામે આવે છે. મા જગતજનની અંબાનાં ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. મા જગતજનની જગદંબાના ધામે કોઈપણ ઉત્સવ કે પર્વ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે. ભક્તો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. આજથી આસો સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે.
અંબાજી મંદિરમાં ચારેબાજુ આજે ભક્તિમય માહોલ છવાયો હતો. જય જય અંબેના જયઘોષ સાથે મંદિર ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રિ પર્વને લઈને મા જગતજનની જગદંબાનું મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના 11 કલાકથી લઈને 12 કલાક સુધી કરવામાં આવશે. જેમાં અંબાજી મંદિરના ભટજી મહારાજ અને મંદિરના વહીવટદાર સાથે મંદિરના અધિકારીઓ અને પૂજારીઓ આ વિધિમાં જોડાશે.