ધાર્મિક@ગુજરાત: પાવાગઢના ડુંગરે બિરાજમાન મહાકાળી માતાજીનાં દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું
વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે માઇભક્તો મહાકાળીનાં દર્શને પહોંચ્યા; મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારથી યાત્રાધામ પાવાગઢમાં માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે માઇભક્તો માતાજીના મંદિરે પહોંચતાં મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યો હતોનવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા આવે એવી સંભાવનાને લઈ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનાં દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ નવરાત્રિ દરમિયાન અત્રે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે જરૂરી સૂચનો તાલુકા વહીવટી તંત્રને કરવામાં આવ્યાં છે. આજે નવરાત્રિને એક દિવસ પહેલાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કર્યાં છે. મંદિરનાં પગથિયાં ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. તંત્ર દ્વારા રેવાપથ પર યાત્રાળુઓ સલામત અવરજવર કરી શકે એવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરાવડાવે એ આવશ્યક છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીનાં દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવરાત્રિ દરમિયાન રાજ્ય તેમજ રાજ્ય બહારથી લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર મહાકાળી માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવવા ઊમટી પડતું હોય છે. નવરાત્રિ પૂર્વે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા. 3થી 17મી ઓક્ટોબર સુધી માતાજીનાં દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, સાથે તંત્ર દ્વારા માઇભક્તોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે બસોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિના આરંભની સાથે જ પાવગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળીનાં દર્શન અર્થે ગુજરાત રાજ્ય સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી માઈભક્તોનું ઘોડાપૂર પાવાગઢ ખાતે ઊમટી પડતું હોય છે. માઈભક્તોને માતાજીનાં દર્શન સહિત અન્ય કોઈ અવગડતા ન પડે એ માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીનાં દર્શનના સમયમાં ફેરફાર કરતાં પહેલા નોરતે અને આઠમા નોરતે તેમજ પૂનમના રોજ જગતજનની મહાકાળી માતાજીનાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
આ ત્રણે દિવસે મંદિરનાં નિજ દ્વાર સવારે 4 વાગ્યે ખૂલશે અને રાત્રિના 8 કલાક સુધી માઈભક્તો દર્શનનો લાહવો લઇ શકશે. જ્યારે નવરાત્રિના અન્ય દિવસો દરમિયાન મંદિરનાં દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 8 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લાં રહેશે. નવરાત્રિ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાનાં દર્શન અર્થે ઉમટનારા ભક્તોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા તેમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે બસોની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. આ સાથે પોલીસ-બંદોબસ્ત અને મેડિકલ સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે.