ધાર્મિક@ગુજરાત: યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ

અંબાજીમાં કિંજલ દવેએ મંગળા દર્શન કર્યા, પાવાગઢમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં, શામળિયાને સુવર્ણ શણગાર

 
 ધાર્મિક@ગુજરાત: યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણાતા દેવદિવાળીના પર્વ પર ભક્તો વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજીમાં શક્તિદ્વારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે, તેમજ સિંગર કિંજલ દવેએ પણ પરિવાર સાથે મા અંબાનાં દર્શન કર્યાં હતાં. પાવાગઢમાં શક્તિપથ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલી ભીડ ઊમટી હતી. જ્યારે શામળાજીમાં આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા છે.

મા જગતજનની અંબાનું મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા અંબાના મંદિરમાં માતાજીનાં દર્શન કરવા માટે વર્ષભર ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હાલમાં દિવાળીનું પર્વ ચાલતું હોય ત્યારે ભક્તો મોટી સંખ્યામાં મા જગદંબાનાં દર્શન કરવા માટે અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આજે દેવદિવાળીના દિવસે વહેલી સવારથી જ ભક્તોનો ધસારો અંબાજી મંદિરમાં જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે 6:00 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. મા જગતજનની અંબાનાં દર્શન અને માતાજીનો આશીર્વાદ લેવા માટે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અંબાજી મંદિરમાં ઊમટી પડ્યું છે.

અંબાજી મંદિરના શક્તિદ્વારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. તો દેવદિવાળી નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આજે સવારે ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે પણ મંદિરમાં આવ્યાં હતાં. પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કર્યાં હતાં. મંદિરના ભટજી મહારાજ દ્વારા આશીર્વાદ અને ચૂંદડી આપવામાં આવી હતી.

દેવદિવાળી નિમિત્તે આજે કાર્તિક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાં મા અંબાનાં દર્શને પહોંચ્યા છે. તો સાથે સાથે સેવાકીય સંઘ દ્વારા અંબાજી મંદિરમાં પૂનમે ભક્તોને વિનામૂલ્યે ચાની સેવા પણ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભકતોએ ચા પીધી હતી. તો ભક્તોએ આ સેવાકીય કામગીરીને બિદરાવી હતી.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા યાત્રાધામ મહાકાળી મંદિરે આજે દેવદિવાળીના દિવસે અન્નકૂટનાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. વહેલી સવારથી જ બંને સ્થળો ઉપર દર્શનર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. જેથી પાવાગઢમાં આજે પગ મૂકવાની પણ જગ્યા નથી.

શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર માઇભક્તો માટે આસ્થા શક્તિ અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું ફરવા માટેનું ધાર્મિક સ્થળ બની ગયું છે, વર્ષો પછી અત્રે મંદિરના નવીનીકરણ બાદ અહીં આવતા માઈભક્તોમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે, ત્યારે આજે દેવદિવાળીના શુભ દિવસે શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાકાળી માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. છપ્પનભોગનો મનોરથ ધરાવવામાં આવતા આખું મંદિર પરિસર શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ માતાજીના આશીર્વાદ લેવા આવેલા માઇભક્તો માતાજીના જયકારા સાથે શક્તિપથ ઉપર કતારમાં લાગેલા જોવા મળ્યા હતા.

દિવાળી અને દેવદિવાળીના તહેવારોમાં હિન્દુ મંદિરોમાં વિવિધ મનોરથોનો વિશેષ મહિમા હોય છે. ખાસ કરીને મોટાં તમામ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. દેવદિવાળીના દિવસે ભગવાનને છપ્પનભોગ ધરાવી ભક્તોને અન્નકૂટનાં દર્શન કરાવી પ્રસાદી આપવામાં આવતી હોય છે.

આજે અન્નકૂટનાં દર્શન હોવાથી ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ માઇભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ટ્રાફિક અડચણ ઊભી ન થાય તે માટે ખાનગી વાહનોને તબક્કાવાર માચી સુધી જવા દેવામાં આવ્યાં હતાં.

દર પૂર્ણિમા આવે એટલે પૃષ્ટિમાર્ગના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દૂર દૂરથી આબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ભગવાનનાં દર્શન કરવા માટે ઊમટી પડતા હોય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં દેવદિવાળી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. આ સાથે દેવદિવાળી નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ આભૂષણનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

યાત્રાધામ શામળાજીમાં આજે કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને દેવદિવાળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે કાર્તિકી પૂર્ણિમા એટલે દેવોની દિવાળી, યાત્રાધામ શામળાજીમાં ભગવાન દેવ ગદાદાર શામળિયાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા છે. કાળિયા ઠાકરનાં દર્શન માટે વહેલી સવારથી લાંબી લાંબી લાઈનો લાગી છે. ભગવાનને પણ આજે દેવદિવાળી નિમિત્તે સોનાનાં આભૂષણો સાથેનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં દૂર દૂરથી ભક્તો ઊમટી પડે છે અને ભગવાન શામળિયાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

શામળાજી મંદિર પરિસરને સુંદર આસોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું છે. દેવદિવાળીને લઈ ભક્તોમાં પણ ભગવાનનાં દર્શન માટે ભારે ઉમંગ જોવા મળ્યો છે. મંદિર પ્રશાસન તરફથી અને પોલીસ તરફથી ટ્રાફિક નિયંત્રણ માટે ભક્તોનાં તમામ વાહનો આજના દિવસ પૂરતા બહાર પાર્ક કરાવ્યાં છે અને બસ સ્ટેશન પાછળના બજારવાળા રસ્તે ભક્તો મંદિર તરફ જઈ શકે છે. તેમજ મંદિરના ગેટ નં. 3 તરફથી ગ્રામ પંચાયત તરફ થઈને હાઇવે રોડ બાજુ બહાર નીકળી શકાય એવી વ્યવસ્થા કરાયેલી છે.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે શુક્રવારે કાર્તકી પૂર્ણિમાના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે‌. આ દિવસે જ રાજાધિરાજ ભક્તની ભક્તિવશ થઈને ગાડામાં બેસી અહીંયાં ડાકોર આવ્યા હતા. આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા છે.

યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સંવત 1212ની કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજારણછોડ બોડાણાની ભક્તિથી ખુશ થઈ ડાકોર પધાર્યા હતા. રાજા રણછોડ ડાકોરમાં પધારે આજે 869 વર્ષ પૂરાં થયાં છે. ત્યારે આજના દિવસે ભક્તોનો પ્રવાહ ડાકોરમાં જોવા મળી રહ્યો છે. વર્ષો પહેલાં આજના દિવસે ભગવાન ડાકોર પધાર્યા હોઇ આજનો દિવસ ભક્તો માટે ખાસ ગણવામાં આવે છે. વહેલી સવારે 04:30 વાગે ભગવાનની મંગળા આરતી સમયે ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી હતી.

તો વળી ગઈકાલે મોડી રાતથી જ ભક્તોએ દર્શન માટે લાઈનો લગાવી હતી અને વહેલી સવારે 04:30 વાગે મંગળા આરતીનાં દર્શન સમયે 'જય રણછોડ માખણ ચોરના નાદ'થી સમગ્ર મંદિર ગુંજી ઊઠ્યું હતું. આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને આજે વિશેષ મુગટ ધારણ કરાવવામાં આવ્યો છે. વર્ષો પહેલાં આ મુગટની કિંમત સવા લાખ હતી અત્યારે આ મુગટની કિંમત કરોડોમાં ગણવામાં આવે છે. ભગવાનને વિશેષ આ મુગટ વર્ષમાં ત્રણ વખત પહેરાવવામાં આવે છે. દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ખેડા જિલ્લા પોલીસ પણ ખડે પગે જોવા મળી છે.

આજના વિશેષ દિવસે ડાકોર ટેમ્પલ કમિટીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે ચડાવી શકશે શિખર ઉપર ધજા, શિખર ઉપર ધજા ચડાવવાનો ચાર્જ 500 રૂપિયા રાખવામાં આવ્યો હતો. હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ચડાવી શકશે શિખર ઉપર ધજા, નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ભક્ત ચડાવી શકશે ધજા તેવો નિર્ણય લેવાયો છે.

આજે દેવદિવાળી નિમિતે મહેસાણા જિલ્લાનાં મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બેચરાજી ખાતે આજે દેવદિવાળી નિમિતે ભક્તોની ભારે ભીડ જામી છે. આજે વહેલી સવારથી જ દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ જામી છે. ત્યારે બીજી બાજુ બેચરાજી મંદિર નવનિર્માણ પામી રહ્યું હોવાથી ભક્તોની પણ લાઇન મંદિર પરિસરમાં જોવા મળી છે.