ચકચાર@ફતેપુરા: મનરેગાનુ પેમેન્ટ લેવા 3 નેતાઓ વચ્ચે ડખા, એજન્સીએ કહ્યું, બધા માંગે કોના આપવા
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકામાં મનરેગાના કામોમાં કૌભાંડો ગેરરીતિ અનેકવાર વાંચી હશે પરંતુ આ વખતે જે સમાચાર આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે. કેટલાક રસ્તાના કામો થયાના મનરેગા કર્મચારીઓએ બીલો લીધા હતા, આ પછી બીલો મુજબની મટીરીયલ એજન્સીને પેમેન્ટ પણ થઈ ગયું હતુ. હવે આ રસ્તાઓ પોતાના અને ખર્ચ પણ પોતે કર્યો હોવાનો દાવો નેતાઓ કરી રહ્યા છે. ફતેપુરા તાલુકામાંથી આવતાં આ 3 નેતાઓ વચ્ચે મનરેગાનું લાખોનું પેમેન્ટ લેવા હોડ જામી છે. તો સામે મટીરીયલ એજન્સી કહે છે કે, અંદરોઅંદરની ખબર નથી, મારી પાસે પેમેન્ટ આવી ગયું પરંતુ માંગણી ત્રણ નેતાઓની છે. કૌભાંડથી ભરેલી આ મનરેગાની કહાની, પેમેન્ટ, નેતા બધું સમજીએ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતની મનરેગા શાખાએ ગત સમયે અનેક કામો કર્યા હોવાનું બતાવી સરકારમાં બીલો રજૂ કર્યા હતા. આ બીલો મનરેગા હેઠળ રસ્તા બનાવવામાં આપેલ મટીરીયલના હતા અને બીલો સુજાન મોટર્સ નામની એજન્સીના હતા. લાખોના બીલો આધારે સરકારે પેમેન્ટ ચૂકવી દીધું પછી 3 નેતાઓ વચ્ચે આ રૂપિયા લેવા અંદરોઅંદર હોડ જામી છે. જિલ્લા પંચાયતના સભ્ય, પૂર્વ સરપંચ અને બીજા એક સ્થાનિક આગેવાન સહિત 3 નેતાઓ મનરેગા હેઠળના રસ્તાના રૂપિયા માંગી રહ્યાનો સનસનીખેજ ઘટસ્ફોટ ખુદ મટીરીયલ એજન્સીના ફારુક ઉંડરાએ કર્યો છે. નેતાઓના નામો સાંભળી ઘડીભર ચોંકી જવાય, કેમ કે મટીરીયલ એજન્સીને પેમેન્ટ મળે તે સત્ય હકીકત છે તો આ 3 નેતાઓ વચ્ચે રૂપિયા લેવાનો ઝઘડો કેમ? વાંચો નીચેના ફકરામાં હડકંપ
સૂત્રોએ જણાવ્યું હતું કે, અન્ય તાલુકાઓની જેમ ફતેપુરામાં પણ મનરેગાનું પેમેન્ટ એજન્સીઓને નામે આવે છે. આ એજન્સીઓ પાછળ સ્થાનિક નેતાઓ કોઈને કોઈ રીતે જોડાયેલા હોય ત્યારે જ પેમેન્ટ માટે માંગણી આવે. આથી સીધો સવાલ જિલ્લા પંચાયત સભ્યને કર્યો તો, આ નેતાજીએ કહ્યું મારૂં પેમેન્ટ નથી. હવે સમાચારમાં આવે તેમ હોવાથી નેતાજીએ પેમેન્ટ પોતાનું નથી બોલી દીધું પરંતુ એજન્સી સમક્ષ માંગણી નહિ કરી હોય? જો મનરેગાના પેમેન્ટની માંગણી નથી કરી તો એજન્સીવાળા કેમ નેતાઓના નામ વટાવે છે? આ જાહેર રસ્તાના કામોનું પેમેન્ટ છે તો કમાણી કરવા કોણે સેટિંગ કરેલું તેનો ઘટસ્ફોટ આગામી ન્યૂઝ રિપોર્ટમાં જાણીશું.