દોડધામ@સીંગવડ: ફુલસિંગ બોલ્યા, મનરેગાનામાં સ્ટાફ બધું કરે, ટીડીઓ બોલ્યા, તપાસ શરૂ કરાવી, મટીરીયલ મુદ્દે ચૂપ

ટીડીઓ પટેલના નિવેદનો બાદ સૌથી મોટા સવાલો અને ખુલાસાઓ પણ થાય છે. 
 
દોડધામ@સીંગવડ: ફુલસિંગ બોલ્યા, મનરેગાનામાં સ્ટાફ બધું કરે, ટીડીઓ બોલ્યા, તપાસ શરૂ કરાવી, મટીરીયલ મુદ્દે ચૂપ

 અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


સીંગવડ તાલુકામાં મનરેગાના ચોંકાવનારા અહેવાલો બાદ દોડધામ મચી તો બીજી તરફ નિવેદનો પણ સામે આવ્યા છે. પ્રમુખના પતિએ અગાઉ કહ્યું હતું કે, રીપોર્ટ કઢાવીને કહું અને આજે ખૂબ ચોંકાવનારી વાત કહી છે. પ્રમુખના પતિએ જણાવ્યું કે, બધા કામો મનરેગા સ્ટાફ જ કરે છે, અમારા કામો થતાં નથી, અમે આગાઉ અરજી આપી હતી. આ તરફ ટીડીઓ પટેલે જણાવ્યું કે, તપાસ હાથ ધરી છે પરંતુ જેવો લેબર મટીરીયલ રેશિયો પૂછતાં ચૂપ થઈને ફોન કાપી દીધો હતો. આ બંને નિવેદનોથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, બહારની કોઈ શક્તિ મનરેગા ઉપર હાવી થઈ મોટાપાયે મટીરીયલ ગ્રાન્ટ ખેંચાવી રહી છે. જ્યારે વહીવટી અધિકારી ટીડીઓ લેબર ખર્ચ ઘટવા બાબતે મૌન રહ્યા છે. અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ કેવી પરિસ્થિતિ અને કોણ મટીરીયલ ખર્ચ બેફામ કરી રહ્યું તે જાણીએ.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં વર્ષ 2022-23 માં જે મટીરીયલ ખર્ચ કરવામાં આવ્યો તેનાથી હડકંપ મચી ગયો છે. સરેરાશ 15 કરોડ લેબર ખર્ચ સામે 62 કરોડથી વધુ મટીરીયલ બીલો પાસ કરવા/કરાવવાની જે મોડસ ઓપરેન્ડી થઈ તે હવે બહાર આવી શકે છે. સમગ્ર મામલે આજે સીંગવડ તાલુકા વિકાસ અધિકારી પટેલને વાત કરતાં જણાવ્યું કે, મનરેગા સ્ટાફને રીપોર્ટ કાઢવા સૂચના આપી છે. જ્યારે મટીરીયલ બીલો વધવા બાબતે ચોંકાવનારુ જણાવતાં મનરેગા એક્ટની સમજણ વિશે સવાલ ઉભો થયો છે. ટીડીઓ પટેલે જણાવ્યું કે, મટીરીયલ બીલો વધારે બને છે અને ગ્રાન્ટ વિલંબથી આવે એટલે એવું થાય છે. પછી સવાલ કર્યો કે, બીલો ત્યારે જ બને કે જ્યારે મટીરીયલ કામો વધુ થાય ? તો તુરંત ફોન કટ કરી દીધો હતો. સીંગવડ તાલુકા પંચાયત પ્રમુખના પતિ ફુલસિંગ ડામોરે જણાવ્યું હતુ કે, 2 વર્ષ પહેલાં અમે પણ રજૂઆત કરી હતી પરંતુ અમારી વાતનો અમલ થયો નથી, બધા કામો મનરેગા સ્ટાફ કરે છે. પ્રમુખના પતિના આ નિવેદન બાદ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. 2 વર્ષ પહેલાં કરેલી રજૂઆતનો અમલ ના થયો હોય તો કેમ જિલ્લા પંચાયતને કે ગાંધીનગર કમિશનરને રજૂઆત ના કરી ? નીચેના ફકરામાં વાંચો વધુ ઘટસ્ફોટ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીંગવડ તાલુકાના મનરેગા અહેવાલ બાદ ફુલસિંગ ડામોર અને ટીડીઓ પટેલના નિવેદનો બાદ સૌથી મોટા સવાલો અને ખુલાસાઓ પણ થાય છે. પ્રથમ કે, શું પ્રમુખના પતિ કે ટીડીઓ કેમ બેફામ મટીરીયલ ખર્ચ રોકાવી શકતાં નથી ? જો મર્યાદા બહાર મટીરીયલ ખર્ચ થાય છે કે કોઈ કરાવી રહ્યું તો શું ટીડીઓનુ કોઈ માનતું નથી ? લેખિતમાં ટીડીઓ પટેલે મનરેગા સ્ટાફને ક્યારે અને કેટલી સુચના, માર્ગદર્શન આપ્યું? એવી તો કઈ શક્તિ છે કે, જેનાથી સીંગવડ તાલુકામાં મનરેગાના બેફામ અને રેશિયો ભંગ થાય તેવો મટીરીયલ ખર્ચ થાય છે ? કરોડોના મટીરીયલ બીલો કરવા/કરાવવામાં કોની ભૂમિકા છે ? 
આવતાં રીપોર્ટમાં જોઈશું છેલ્લા 3 વર્ષમાં સીંગવડ તાલુકામાં કયા ગામમાં કરોડોની ગ્રાન્ટ ખર્ચાઈ અને સામે કામો કેટલા થયા? તેનો અહેવાલ સમજીશું.