ઘટના@મહેસાણા: વ્યાજખોરોના ત્રાસેના કારણે યુવકે ઝેરી દવા ખાઈને આપઘાત કર્યો

અંતિમ શ્વાસ લેતા વખતે પણ ધમકીઓ આપી
 
દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવ ખુબ જ  વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે.   હેસાણાના વિજાપુર તાલકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ મનોજ પટેલે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો છે. વિજાપુર પોલીસે ઘટના અંગે હવે વ્યાજખોરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. વ્યાજખોરોએ અસહ્ય ત્રાસ મૃતક પર ગુજાર્યો હતો અને જેમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુંસિંહ ઠાકોર સહિત ચાર વ્યાજ ખોરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

હાલમાં ખાનગી શાળામાં ફરજ બજાવતા અને વિજાપુર તાલુકાના પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતાબેન પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ અમિતાબેનના પતિ ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ રહ્યા હોવા દરમિયાન પણ પઠાણી ઉઘરાણી કરતા ફોન કરીને ત્રાસ ગુજાર્યો હતો. હોસ્પિટલમાં સારવારના નાટક બંધ કરવા જેવા શબ્દો ફોન કરીને ઉચ્ચાર્યા હોવાનું પોલીસને અમિતાબેન જણાવ્યુ હતુ.

વિજાપુરના હિરપુરા ગામના મનોજ શંકરભાઈ પટેલે વિજાપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુંસિંહ ઉર્ફે દિપારામ દીનેશસિંહ ચૌહાણ, પિયુષ દેસાઈ અને સંજય દેસાઈ પાસેથી 15 લાખ રુપિયા હાથ ઉછીના પેટે લીધા હતા. આ ઉપરાંત મહાકાળી ઇલેક્ટ્રિક વાળા ભરત રામાભાઈ પટેલ પાસેથી પણ બે-ત્રણ લાખ રુપિયા હાથ ઉછીના લીધા હતા. જે રકમને ચુક્તે કરવા જતા આરોપી રેણુંસિંહ સહિતનાઓએ 10 થી 20 ટકા વ્યાજ ગણ્યુ હતુ અને ચક્રવૃદ્ધી વ્યાજ ગણી લઈને ચારેય જણાએ 40 થી 45 લાખ રુપિયા વસૂલ કર્યા હતા.

પૈસાની ઉઘરાણી માટે જાનથી મારી નાંખવા સુધીની ધમકીઓ મનોજ પટેલને આપવામાં આવી રહી હતી. જેને લઈ ત્રાસી જઈ આખરે મનોજભાઈએ ઝેરી દવા ખાઈ લઇને આપઘાતનો પ્રયાસ કરતા સ્થાનિક વિજાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પણ સતત ઉઘરાણી ચાલુ રાખી હતી.

એક તરફ મનોજ પટેલ અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો અને તેનો જીવ બચી જાય એ માટે તબીબો સારવાર માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા હતા. બીજી તરફ પરીવારજનો પણ પ્રાર્થના કરી રહ્યા હતા કે, જીવ બચી જાય. તો આરોપીઓએ ફોન પર ફોન કરીને સતત ઉઘરાણી ચાલુ રાખી હતી. આરોપી સંજય દેસાઈએ તો ફોન કરતા અમિતાબેને ફોન ઉપાડતા ગાળો બોલીને મરતો હોય તો, ભલે મરતો પૈસા નહીં આપે તો અમે તેને અને પરિવારને જાનથી મારી નાખીશું.

બેફામ ગાળોને પગલે, અમિતાબેને ફોન આખરે પોતાના ભાઈને આપી દીધો હતો. આરોપીઓએ ફોન માં હોસ્પિટલમાં એડમીટ થવાના નાટક બંધ કરી દેવાની ધમકીઓ આપી હતી અને અમારા પૈસા પરત કરો કહીને ઉઘરાણીઓ ચાલુ રાખી હતી. આમ મરણપથારીએ પણ ત્રાસ ગુજરાવાનું આરોપીઓએ માનવતા ભૂલીને બેફામ ગાળો બોલીને પઠાણી ઉઘરાણી કરી હતી. ઘટનાને પગલે વિજાપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ PI વીઆર ચાવડાએ શરુ કરી છે.